ગાંધીનગરઃ રાજ્યમાં ફરી એક વાર લૉકડાઉન લાગશે તેવી અફવાઓ ફેલાઈ રહી હતી. આ અંગે નાયબ મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લૉકડાઉન હવે નહીં થાય એટલે લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવી રહ્યા છે કે 24 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં લૉકડાઉન લાગુ થશે, જેને લઈને કેટલાક લોકોએ તો જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવાની શરૂ કરી દીધી છે, પરંતુ આ તમામ મામલે સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં ફરી એક વાર લૉકડાઉન નહીં લાગે અને સરકાર પણ લૉકડાઉન અંગે કોઈ પણ પ્રકારની વિચારણા કરી નથી રહી. રાજ્યનું જનજીવન પુનઃયથાવત્ થયું છે. ધંધા-રોજગાર પણ ચાલુ થઈ ગયા છે. એટલે આવા સમયે લૉકડાઉન કરવાની કોઈ જરૂરિયાત અત્યારે રાજ્ય સરકારને લાગતી નથી.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, હું નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ માહિતીને સાચી ન ગણવી. તેમ જ અફવાઓથી દૂર રહેવું. સરકાર કોરોનાને કાબૂમાં લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.