- 200 જેટલા પ્લાન્ટનું કાર્ય પ્રગતિ હેઠળ હોવાની વિગતો સામે આવી
- ત્રીજી લહેરમાં 1890 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે
- અમુક સ્થાનિક જિલ્લા લેવલે બેડની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે
ગાંધીનગર/રાકજોટ/ભુજ/જુનાગઢ/ભાવનગર : મળતી માહિતી પ્રમાણે કુલ 500 જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું આયોજન હતું, જેમાંથી અત્યારે 300 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 200 જેટલા પ્લાન્ટનું કાર્ય પ્રગતિ હેઠળ હોવાની વિગતો સામે આવી રહી છે.
ત્રીજી લહેરમાં 1890 મેટ્રિક ટનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ
બીજી લહેરમાં ઓક્સિજનની અછત અને ઘટ અનેક જગ્યાએ સર્જાઇ છે, ત્યારે ત્રીજી વેવમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી કરાઇ હતી, જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં 1150 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, ત્યારે ત્રીજી લહેરમાં 1890 મેટ્રિક ટનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે. આ ઉપરાંત અત્યારે વર્તમાન સમયમાં 24 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, ત્યારે આવનારા દિવસોમાં 400 જેટલા પ્લાન્ટ તૈયાર કરાશે. જેથી 400 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત ઓક્સિજન કન્સન્ટ્રેટર હાલ 700 છે, તેને પણ વધારીને 10,000 કરવામાં આવશે.
21 જિલ્લામાં ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 21 જિલ્લાઓમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે બે હજાર જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે. જે જગ્યાએ અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજનની ઓછી જરૂર પડશે, ત્યાં ઓક્સિજનથી ચાલુ કરવામાં આવશે.
જ્યાં પ્લાન્ટ નહિ હોય ત્યાં ઓક્સિજન સ્ટોર કરવામાં આવશે
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએ અથવા તો જે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા નહીં હોય તો તેવી જગ્યાએ ખાનગી કંપનીઓને સાથે રાખીને ભાડે પ્લાન્ટ ઉભા કરવામાં આવશે અથવા તો જમ્બો પ્લાન્ટ સ્વરૂપે ઓક્સિજનને સ્પેરમાં રાખવામાં આવશે. આમ રાજ્યના એક પણ જિલ્લામાં ઓક્સિજનની તંગી ત્રીજી લહેર દરમિયાન ન થાય તે બાબતે પણ ખાસ ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવે છે.
બાળકો માટે કરાઇ અલગ વ્યવસ્થા
બાળકો માટે અલગ વ્યવસ્થા કરાતા મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નાના બાળકો માટે પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આમ મોટા શહેરોમાં તો રાજ્ય સરકારે બાળકો માટે અલગ વોર્ડ ઉભા કર્યા છે, ત્યારે અમુક સ્થાનિક જિલ્લા લેવલે બેડની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ 20 ટકા પ્રમાણે તમામ બેડના પ્રકારની વાત કરવામાં આવે તો આઇસીયુમાં 20 ટકા, ઓક્સિજન બેડમાં 20 ટકા અને સામાન્ય બેડમાં 20 ટકા બેડ સ્પેશિયલ બાળકો માટે વધારવામાં આવ્યા છે.
ભૂજમાં હાલ 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને ETV Bharat દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં તેની અગમચેતીના ભાગરૂપે શું વ્યવસ્થા રાખવામાં આવી છે, તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા મુખ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "હાલમાં 3 જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને આ ઉપરાંત લેઉવા પટેલ હોસ્પિટલમાં 1 તથા સમરસ બોય્ઝ હોસ્ટેલમાં 2 ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ પામી રહ્યા છે." આમ, સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ભૂજ શહેરમાં ઓક્સિજનની કમી ન રહે તે માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભૂજની લેઉવા પટેલ હોસ્પિટલમાં 2 PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. આ ઉપરાંત એક લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. સ્મશાનની વાત કરવામાં આવે તો હાલમાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોઈ વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.
ગાંધીનગરમાં નવી ઇલેક્ટ્રીક વુડન ભઠ્ઠી
ગાંધીનગરના સ્મશાનોની અંદર પણ કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સેક્ટર 30 ના મુક્તિધામ સ્મશાનમાં જિલ્લા કલેક્ટર દ્વારા ઈલેક્ટ્રીક અને વુડનની ભઠ્ઠી મૂકાવવામાં આવી છે. આ ભઠ્ઠીની વિશેષતા એ છે કે, તેમાં ઓછા સમયમાં મૃતદેહનો અગ્નિસંસ્કાર થાય છે. જે હેતુથી ઈલેક્ટ્રીક ભઠ્ઠી મૂકાઈ છે. સેક્ટર- 30 મુક્તિધામ સ્મશાનના સંચાલક જીલુભા ધાંધલે કહ્યું કે, જિલ્લા કલેક્ટરના આદેશથી ઇલેક્ટ્રીક વુડન ભઠ્ઠી મૂકાઇ છે. સામાન્ય લાકડાની ભઠ્ઠીમાં 12 મણ લાકડાની જરૂર એક મૃતદેહને અગ્નિસંસ્કાર માટે પડે છે, પરંતુ આ ભઠ્ઠીની વિશેષતા એ છે કે, ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં ફક્ત છ મણ લાકડાથી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી શકાય છે. જેમાં વચ્ચેના ભાગે લાકડા નાખી મૃતદેહને ઉપરથી ઢાંકી, ઇલેક્ટ્રિક અગ્નિસંસ્કાર કરી શકાય છે. સામાન્ય ભઠ્ઠીને સળગતા ત્રણ કલાક જેટલો સમય વીતી જાય છે, પરંતુ આ ભઠ્ઠીમાં એક જ કલાકમાં મૃતદેહનો અગ્નિસંસ્કાર થઈ જાય છે. તો મેનેજર વિજય ચૌધરીએ કહ્યું કે, "લાકડાની અત્યારે 10 ભઠ્ઠીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ટોટલ 17 ભઠ્ઠીઓ છે. બાજુમાં મૂકી દેવાયલી ભઠ્ઠીઓ સાથે થોકબંધ લાકડાઓ પણ સ્મશાનમાં મૂકવામાં આવ્યા છે. જેનો ઉપયોગ જરૂર પડતા કરવામાં આવશે."
જુનાગઢમાં હજુ સુધી કરાઈ નથી કોઈ વ્યવસ્થા
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને ETV Bharat દ્વારા ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થાનું રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે જે ઓક્સિજન સપ્લાય અને ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હતો. તે જ પ્રમાણેનો ઓક્સિજન સપ્લાય અને પ્લાન્ટની વ્યવસ્થા આજે જોવા મળી રહી છે. સંક્રમણની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને લઇને અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે સંભવિત ત્રીજી લહેરને લઈને ઓક્સિજન પ્લાન્ટ અને તેના પુરવઠામાં હજુ સુધી કોઈ વધારો થયો હોય તેવું સામે આવ્યું નથી.
રાજકોટમાં 25માંથી 17 ઑક્સિજન પ્લાન્ટ તૈયાર
રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં કરાઇ રહી છે, જેમાં વિવિધ હૉસ્પિટલોના બેડની સંખ્યાઓ વધારાઇ રહી છે. રાજકોટના જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં 25 જેટલા ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવવાના છે, જેમાંથી 17 જેટલા ઑક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે, જ્યારે આગામી દિવસોમાં વધુ 8 જેટલા ઑક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ જશે. અત્યારે તેની કામગીરી ચાલી રહી છે, જ્યારે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આવેલા ઑક્સિજન પ્લાન્ટની પણ કેપિસિટી વધારવામાં આવી છે. કોવિડ બોડી માટે ખાસ સ્મશાનો અનામત કરવા પડયા હતા, ત્યારે ઇલેક્ટ્રિક અને ગેસ આધારીત ભઠ્ઠીઓ પણ ડે-નાઇટ અંતિમ સંસ્કારના કારણે ભસ્મ થઇ જતા મનપાએ રૂપિયા 15.60 લાખના ખર્ચે રીનોવેશન કરાવ્યું છે. મનપા લાઇટિંગ સમિતિ દ્વારા રૂપિયા 15.60 લાખના ખર્ચે 6 સ્મશાનગૃહોમાં રીનોવેશન અને રીપેરીંગ કરાવવામાં આવ્યું છે
ભાવનગરમાં 1000 બેડ અને 30 હજાર લીટર ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ
શહેરમાં બીજી લહેરમાં બેડ અને ઓક્સિજનની કમીએ લોકોને રઝળતા કરી મૂક્યાં હતાં. લોકોને બેડ મળતા ન હતાં તો ઓક્સિજન બોટલો શોધવા નીકળી પડતા હતાં. શહેર અને જિલ્લામાં જોઈએ તો કુલ પોઝિટિવ દર્દીઓ 21,446 આવ્યા હતાં. જેમાં સ્વસ્થ 21,144 થયાં હતાં અને મૃત્યુ કુલ 298 થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. ત્યારે આગામી દિવસોમાં ત્રીજી લહેર આવે તો તંત્રએ બે લહેર બાદ ક્યાંક શીખી લીધું હોય તેમ લાગી રહ્યું છે. ભાવનગરની સર ટીહોસ્પિટલમાં 1000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, દરેક બિલ્ડીંગમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઈનો નાખવામાં આવેલી છે. એ ઓક્સિજન બે 30 હજાર લીટર ટેન્ક અને PSA પ્લાન્ટ મારફત મળી રહ્યો છે.