- પોલીસ કસ્ટડીમાં મોત મામલે ગુજરાત બીજા સ્થાને
- ન્યાયિક કસ્ટડીમાં મોત મામલે યુપી પ્રથમ સ્થાને
- બજેટ સત્રમાં છેલ્લા ચાર વર્ષના આંકડા સામે આવ્યા
ન્યુઝ ડેસ્કઃ દેશભરમાં પોલીસ કસ્ટડીમાં અથવા ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુના બનાવો સતત બને છે, ત્યારે હાલ બજેટ સત્ર દરમિયાન લોકસભામાં એક સવાલના જવાબમાં છેલ્લા ચાર વર્ષના આંકડા સામે આવ્યાં છે. આ આંકડાઓ મુજબ પોલીસ કસ્ટડીમાં મુત્યુ મામલે ગુજરાત બીજા સ્થાને છે. જ્યારે ન્યાયિક કસ્ટડીમાં સૌથી વધુ મોત ઉત્તર પ્રદેશમાં થયાં છે.
પોલીસ કસ્ટડીમાં મોતનો આંક
વર્ષ 2017-18માં પોલીસ કસ્ટડીમાં મોતના સૌથી વધુ 19 કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં 14, આસામ અને તામિલનાડુમાં 11-11, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 10-10 કેસ નોંધાયા હતા.
વર્ષ 2018-19માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુના સૌથી વધુ 13 કેસ નોંધાયા હતા. તેમજ મધ્યપ્રદેશ અને યુપીમાં 12-12, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં 11-11 કેસ નોંધાયા હતા.
વર્ષ 2019-20ના આંકડા મુજબ મધ્યપ્રદેશમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોત થયા છે. મધ્યપ્રદેશમાં 14, તમિળનાડુ અને ગુજરાતમાં 12-12, પશ્ચિમ બંગાળમાં 7, ઓડિશા અને પંજાબમાં 6-6 કેસ નોંધાયા છે.
વર્ષ 2020-21 માં, 28 ફેબ્રુઆરી સુધીના આંકડા પ્રમાણે પોલીસ કસ્ટડીમાં મોત મામલે ગુજરાતમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુના 11 કેસ નોંધાયા હતા. બંગાળ અને મધ્યપ્રદેશમાં 8-8 ઉપરાંત, કર્ણાટક અને ઓડિશામાં 4-4 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારતા આરોપીનું સારવાર દરમિયાન મોત
ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુઆંક
વર્ષ 2017-18માં ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુના સૌથી વધુ 390 કેસ યુપીમાંથી નોંધાયા હતા. પશ્ચિમ બંગાળથી 138, પંજાબમાં 127, મહારાષ્ટ્રમાં 125, બિહારમાંથી 109 કેસ નોંધાયા છે.
વર્ષ 2018-19માં યુપીમાં 452 કેસ નોંધાયા હતા. સૌથી વધુ મોત મામલે યુપી પ્રથમ સ્થાને હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર 149 કેસ સાથે બીજા ક્રમે રહ્યું હતું. 2018-19માં મધ્યપ્રદેશથી ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુના 143 કેસ નોંધાયા હતા, જ્યારે પંજાબ (117) ચોથા નંબર પર અને પશ્ચિમ બંગાળ (115) પાંચમાં સ્થાને છે.
વર્ષ 2019-20માં પણ યુપી 400 કેસ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશ 143 કેસ સાથે બીજા ક્રમે હતું, પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 115 મોત નોંધાયા હતા, ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુના 105 કેસ બિહારમાંથી અને 93 પંજાબમાં નોંધાયા છે.
ચાલુ વર્ષ 2020-21માં, 28 ફેબ્રુઆરી 2021 સુધીના આંકડા પ્રમાણે ન્યાયિક કસ્ટડીમાં મોત મામલે આ વર્ષે પણ યુપી (395) પ્રથમ, પશ્ચિમ બંગાળ (158) બીજો, મધ્યપ્રદેશ (144) ત્રીજો, બિહાર (139) ચોથા ક્રમે અને મહારાષ્ટ્ર (117) પાંચમાં સ્થાને હતું.
સંસદમાં રજૂ કરાયા આંકડા
સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ પોલીસ કસ્ટડીમાં મોત મામલે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આગળ છે, જ્યારે ન્યાયિક કસ્ટડીમાં મોત મામલે દેશનું સૌથી મોટું રાજ્ય યુપી આગળ છે. આ ઉપરાંત પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બિહાર જેવા રાજ્યો પણ આગળ છે.