- કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય સરકારની જાહેરાત
- સરકાર જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરશે
- વિધાનસભા ગૃહમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કરી જાહેરાત
ગાંધીનગર: કોરોના મૃતકોને સહાય બાબતે પક્ષ અને વિપક્ષ આમને-સામને આવ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મૃતકોના સ્વજનોને 50,000 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આજે વિધાનસભાગૃહમાં આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે પણ ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના સ્વજનોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ માટે સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ એક કમિટીની રચના કર્યા બાદ ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.
કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે સહાય
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો કરી રૂ. 50,000ની સહાય ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરી સહાય ચુકવવામાં આવશે. વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત ગુજરાતમાં પણ જ્યારથી કોવિડનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ રાજ્ય સરકારની અસરકારક કામગીરી અને સમયબદ્ધ આયોજનના પરિણામે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોવિડનો મૃત્યુદર ખૂબ જ ઓછો છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે 10,082 જેટલા મૃત્યુ નોંધાયા છે.
ખાનગી હૉસ્પિટલમાં રહેલા દર્દીઓના મૃત્યુના આંકડાનો સમાવેશ નહીં
આજે વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરીમાં કેટલાક પ્રશ્નોમાં માત્ર નિયુક્ત કરવામાં આવેલી હૉસ્પિટલોમાં થયેલા મૃત્યુના આંકડા તેમજ કેટલાક પ્રશ્નોમાં જિલ્લાઓના મૃત્યુના આંકડા માંગવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કોવિડ-19ના કારણે મૃત્યુના જે આંકડા જાહેર કર્યા છે તેમાં મહાનગરપાલિકા વિસ્તારની વિગતો તેમજ કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર, તેમજ હોમ આઇસોલેશનમાં થયેલા મૃત્યુના આંકડાઓનો સમાવેશ થાય છે. અમુક જિલ્લાઓમાં પ્રશ્નોત્તરીમાં માત્ર નિયુક્ત હૉસ્પિટલોમાં જ થયેલા મૃત્યુના આંકડાઓ માંગવામાં આવ્યા છે. તેમાં ખાનગી હૉસ્પિટલ તેમજ આઇસોલેશનમાં રહેલા દર્દીઓના મૃત્યુના આંકડાઓનો સમાવેશ થતો નથી.
આંકડા બાબતે ખુલાસો
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આણંદ, જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, વલસાડ, દાહોદ, પોરબંદર, ભરૂચ, નર્મદા, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, વડોદરા, બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્ધારકા જિલ્લાઓની માત્ર નિયુક્ત હૉસ્પિટલોમાં થયેલા મૃત્યુના આંકડાની વિગતો આપવામાં આવી છે. મહાનગરપાલિકામાં કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુના આંકડાઓની વિગતો માંગેલી નથી.
SDRFની જોગવાઈમાં ઉમેરો કરાશે
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોવિડ-19માં નોંધાયેલા મૃત્યુ સંદર્ભે ભારત સરકારના ગૃહ વિભાગના 25.09.2021ના પત્રથી SDRFની હાલની જોગવાઇઓમાં ઉમેરો કરી રૂ.50,000/-ની સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે સંદર્ભે ગુજરાતમાં આ સહાય ચૂકવવા જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરી ભારત સરકારની સૂચના પ્રમાણે 50,000ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે.
આ પણ વાંચો: કોરોનાની રસી, હૉસ્પિટલ અને સહાયને લઈ વિધાનસભામાં કૉંગ્રેસનો હોબાળો, 25 મિનિટ ગૃહ મુલતવી રહ્યું
આ પણ વાંચો: Gujarat Assembly: રાજ્યમાં એક મહિનામાં એક લાખથી વધુ રસીના ડોઝનો બગાડ