- અત્યાર સુધી 4 કરોડને વેક્સિન અપાઈ
- 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
- રિકવરી રેટ વધીને 98.76 ટકા સુધી પહોંચ્યો
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 16 ઓગસ્ટના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં જ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો આંકડો આ સ્થિતિ રહી તો બિલકુલ ઘટીને સિંગલ ડીજીટમાં આવી શકે તેમ છે. જોકે, રસીકરણની કામગીરી પણ દિવસેને દિવસે વધી રહી છે.
4.06 લાખ કરતાં વધુ લોકોને રસી અપાઈ
રાજ્ય સરકારની યાદી મુજબ, આજે 16 ઓગસ્ટના રોજ 4,58,824 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ મળીને અત્યાર સુધી 4.06 કરોડ વેક્સિનના ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે. 18 વર્ષથી ઉપરના 2,77,981 લોકોને આજે પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે 27,385 લોકોને બીજો ડોઝ મળ્યો હતો.
કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 184 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 177 કેસો સ્ટેબલ છે. જ્યારે વેન્ટિલેટર 07 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,077 દર્દીના સારવાર દરમિયાન અત્યાર સુધી મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,934 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.