ભાવનગર: શિયાળો શરુ થઇ ગયો છે, ત્યારે લોકો પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખવા માટે અવનવા નુસ્ખા કરતા હોય છે. ત્યારે અલગ અલગ પ્રકારના સ્વાસ્થ્યપ્રદ પીણાનું સેવન પણ લોકો શિયાળામાં કરતા હોય છે. શિયાળામાં લોકો આયુર્વેદિક ઉકાળાને લોકો પ્રાધાન્ય આપે છે. ત્યારે ભાવનગરમાં એક એવી સંસ્થા છે, જે એક સદીથી વધુ સમયથી લોકોને પાણીની કિંમતે ઉકાળાનું વિતરણ કરે છે. આ સંસ્થાનું બિલ્ડીંગ ભાડે છે. જેનું ભાડું જાણીને તમે પણ ચોંકી જશો.
વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ: ભાવનગરના મુખ્ય વોરા બજારમાં 103 વર્ષથી સ્થાપિત સેવા સમિતિ પોતાનું કર્મ ભૂલી નથી. રોજ સવારમાં લોકોને નિયમિત રીતે તેમનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે નજીવી કિંમતે ઉકાળાનું વિતરણ કરે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્ય વોરા બજારમાં છોટાલાલ શાહ દ્વારા 1921માં સેવા સમિતિની સ્થપના કરવામાં આવી હતી.
નિયમિત 103 વર્ષથી બને છે ઉકાળો: ભાવનગર શહેરની મુખ્ય વોરા બજારમાં જમણા હાથે આવતા ખાચા પરના બિલ્ડિંગમાં ઉપર જવાનો માર્ગ છે. જ્યાં સેવા સમિતિ 103 વર્ષથી ચાલી રહી છે. રોજ સવારમાં સેવા સમિતિ ખુલી જાય છે અને ઉકાળા તૈયાર હોય છે. ત્યારે ઉકાળા પીવા આવતા કિશનભાઇ કહ્યું હતું કે, આ ઉકાળો ઘણી બધી જડીબુટ્ટીથી બનાવેલો છે. હું છેલ્લા 35 થી 40 વર્ષથી આવું છું. ઉકાળો પીવા એક રૂપિયો કે 50 પૈસા લે છે, જરૂરી નથી કે, પૈસા આપવા ઉકાળો મફત પણ પી શકાય છે. આ ઉકાળાથી શરીર સારું રહે છે.
ઉકાળો શરીર માટે ખૂબ જ સારો: સેવા સમિતિમાં વર્ષોથી ઉકાળો પીવા માટે અનેક લોકો આવી રહ્યા છે, ત્યારે ઉકાળો પીવા આવતા સલીમભાઈએ જણાવ્યું હતું કે, 40 વર્ષથી હું ઉકાળો પીવા આવું છું. ઉકાળો બનાવવાનો પાવડર પણ લઈ જાઉ છું. અત્યારે મારી ઉંમર 65 વર્ષની છે ત્યારે આ ઉકાળો પીને મારુ સ્વાસ્થ્ય સારું રહે છે. આજના યુગમાં મફતમાં અમૃત પીવડાવે કોણ? અન્ય ઉકાળો પીવા આવનાર માનસિંગભાઇએ જણાવ્યું કે, હું 10-15 વર્ષથી અહીં ઉકાળો પીવા આવું છું. જે શરીર માટે ખૂબ જ સારો છે. સ્વાસ્થ્યની કિંમતથી વધારે કંઇ જ મોટું નથી.
વર્ષોથી એક જ ભાડું, વર્ષોથી બને છે ઉકાળો: સેવા સમિતિમાં ફરજ બજાવતા ડોક્ટર નટુભાઈ ગોહેલ એ જણાવ્યું કે, પહેલા 500 થી 700 માણસો ઉકાળો પીવા માટે આવતા હતા. આજે સમય પ્રમાણે ફેરફાર થયો છે. ઉકાળો પહેલા 4 તપેલામાં બનતો હતો. આજે 1 થી 2 તપેલા જ થાય છે. આ સંસ્થાને 103 વર્ષ થયા છે. આ સંસ્થાની સ્થાપના છોટાલાલ શાહે 1921માં સ્થાપના કરી હતી. વર્ષોથી મફતમાં ઉકાળો આપવામાં આવે છે. ઉકાળામાં કરીયાતું, ધાણા, વરીયાળી વગેરે જેવી 10 ચીજવસ્તુઓ નાખવામાં આવે છે. વર્ષોથી સેવા સમિતિનું ભાડું 12 રૂપિયા છે, કારણ કે, આ સંસ્થા ભાડા ઉપર ચાલે છે. આ સંસ્થા ડોનેશન લેતી નથી. પરંતુ ડોનેશન જરુરથી આપે છે.
આ પણ વાંચો: