અમદાવાદ: ભારતના ધનાઢ્ય બિઝનેસમેન ગૌતમ અદાણી છેલ્લાં બે વર્ષથી સતત વિવાદમાં રહ્યા છે. પહેલા હિન્ડનબર્ગ રિપોર્ટ ત્યાર બાદ હવે અમેરિકામાં તેમની સામે અંદાજિત 2100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ભારત અને અમેરિકાના સમાચાર માધ્યમો અદાણી મામલે સતત સમાચારો પ્રકાશિત કરતા રહ્યાં છે. ત્યારે જાણીએ કોણ છે ગૌતમ અદાણી અને કેવો છે તેમનો વૈશ્વિક બિઝનેસ?
કોણ છે ગૌતમ અદાણી
મૂળ બનાસકાંઠાના વણિક પરિવારના ગૌતમ શાંતિલાલ અદાણી ભારતીય બિઝનેસમેન છે. ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ 155.4 અબજ ડોલર છે. વર્ષ 1962ની 24 જૂનના રોજ જન્મેલા ગૌતમ અદાણીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સનો અભ્યાસ કર્યો છે. વ્યક્તિગત જીવનમાં જોઇએ તો ગૌતમ અદાણી સંયુક્ત પરિવારમાં રહે છે અને અમદાવાદમાં ડેન્ટિસ્ટ પ્રિતી અદાણી સાથે લગ્ન કર્યા છે. આરંભમાં મુંબઈ જઈ હીરા ઉદ્યોગમાં પોતાનો વ્યવસાયિક શરૂઆત કરી હતી. હીરા ઉદ્યોગમાં ઓછી સફળતા બાદ ગૌતમ અદાણી અમદાવાદ પરત ફરીને પોતાના ભાઈના પ્લાસ્ટિકના બિઝનેસમાં જોડાયા હતા. પહેલાથી વેપાર ધંધામાં સાહસિક બનવાના સ્વપ્ન સાથે 1988માં ગૌતમ અદાણીએ એગ્રી ટ્રેડિંગનો વ્યવસાય આરંભ્યો હતો.
ગૌતમ અદાણી કેવી રીતે ગ્લોબલ બિઝનેસ મેન બન્યા
1990નો દાયકો ગૌતમ અદાણી માટે આર્શીવાદ સમાન બન્યો. 1990ના દશકામાં ગૌતમ અદાણીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પગ મુક્યો. કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ખાનગી પોર્ટ વિકસાવીને દેશમાં થતા ખાનગીકરણ પ્રક્રિયાનો લાભ મેળવ્યો. મુન્દ્રા પોર્ટને વિકસાવી ગૌતમ અદાણી દેશના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર બન્યા. મુન્દ્રા પોર્ટની સફળતા ગૌતમ અદાણીને અન્ય ક્ષેત્રોમાં બિઝનેસ કરવાના દરવાજા ખોલી નાખ્યા. ત્યાર બાદ 21મી સદીના આરંભે ગૌતમ અદાણીએ કોલસા આધારિત વીજળી ઉત્પાદનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. જેમાં ગૌતમ અદાણીએ વર્ષ-2006માં અદાણી પાવર લિમિડેટની સ્થાપના કરીને દેશના વીજ સેકટરમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. સૌર ઉર્જા, રાંઘણ ગેસ સહિત અનેક ટકાઉ વિકાસના ક્ષેત્રે ગૌતમ અદાણીએ ઝંપલાવ્યું. જેના થકી ગૌતમ અદાણી ભારત અને વિશ્વના સફળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવતા ગયા. વર્ષ - 2018થી ગૌતમ અદાણી અને ગૌતમ ગ્રુપ ઓફ કંપની સંરક્ષણ, એરોસ્પેસ, એરપોર્ટ, નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રકટરના ક્ષેત્રમાં પ્રવેશ કરીને ભારતના સૌથી પ્રભાવશાળી ગ્લોબલ બિઝનેસ પર્સન બન્યા છે. હાલમાં મહારાષ્ટ્રના મુંબઈના ધારાવી રી-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ થકી ગૌતમ અદાણી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મહત્વના મુદ્દા તરીકે ચર્ચામાં રહ્યા હતા.
Know more: https://t.co/uNYlCaBbtk pic.twitter.com/fQ4wdJNa9d
— Adani Group (@AdaniOnline) November 21, 2024
હાલનો વિવાદ શું છે?
બે વર્ષ પહેલા અમેરિકાથી પ્રકાશિત હિન્ડનબર્ગ રિપોર્ટમાં ગૌતમ અદાણી પર મનીલોન્ડરિંગથી શેરમાં હેરાફેરી કરવાના આરોપો મૂક્યા હતા. જોકે આ અઠવાડિયે અમેરિકાની ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી અને તેમના પરિવારજનો પર સૌલર એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવા માટે ભારતીય અધિકારીઓને રુ. 2100 કરોડની લાંચ આપવાનો આરોપ મુક્યો છે. અદાણી અને તેમના પરિવાર પર ન્યૂયોર્ક ફેડરલ કોર્ટનો આરોપ છે કે, અદાણીએ કથિત લાંચની રકમ એકત્ર કરવા અમેરિકન અને વિદેશી બેંકો સાથે ખોટું બોલ્યા છે. આ માટે ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીની ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત કુલ સાત વ્યક્તિઓ પર લાંચ આપવાનો આરોપ મૂક્યો છે.
યુએસ એટર્ની ઓફિસે અદાણી સામે લગાવ્યા છે આ આરોપ
અમેરિકાની યુએસ એટર્ની ઓફિસે ગૌતમ અદાણી સહિત કુલ સાત વ્યક્તિઓ પર સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન અમેરિકી ડોલરની લાંચ આપવાના મુદ્દે આરોપ લગાવ્યા છે. વર્ષ 2020 અને 2024ના સમયગાળા દરમિયાન આ કથિત લાંચ આપવાની વાત છે, જેમાં અદાણી ગ્રુપને સૌર ઊર્જાના પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટની 20 વર્ષની સમય અવધિમાં અંદાજિત બે અબજ અમેરિકન ડોલરનો નફો થવાનો અંદાજ હતો. આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારી સાથે અદાણી ગ્રુપના અધિકારીની મિટીંગ થઈ હતી. જે માટે અમેરિકી એટર્ની ઓફિસે સિરિલ કેનબસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રુપેશ અગ્રવાલને આરોપી તરીકે ગણાવ્યા છે. અદાણી જુથ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે અમેરિકન રોકાણકારો પાસેથી કુલ ત્રણ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું તેવો પણ આરોપ છે.
ન્યૂયોર્કના ફેડરલ કોર્ટના આરોપ સામે અદાણી ગ્રુપનો શું છે જવાબ
યુ.એસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુ.એસ સિક્યોરિટીઝ દ્વારા અદાણી ગ્રુપ પર મુકાયેલા કથતિ રુ. 2,100 કરોડની લાંચના આરોપ અંગે અદાણી જુથે તા. 21, નવેમ્બર - 2024ના રોજ પ્રકાશિત મીડિયા સ્ટેટમેન્ટમાં તમામ આરોપ અને આક્ષેપોને નકાર્યા છે. અદાણી જુથના મીડિયા સ્ટેટમેન્ટ પ્રમાણે, અદાણી ગ્રીનના ડિરેક્ટરો વિરુદ્ધના આરોપ પાયા વિહોણા છે, જેને અદાણી જૂથ નકારે છે. આ મીડિયા સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, તપાસમાં જ્યાં સુધી કોઈ દોષ સાબિત ન થાય ત્યાં સુધી આરોપો અને પ્રતિવાદીઓ નિર્દોષ માનવામાં આવે છે. અદાણી ગ્રુપ કાયદાકીય સહારો મેળવશે. અમે કાયદાનું પાલન કરનારી સંસ્થા છીએ અને કાયદાનું પૂર્ણપણે પાલન કરીશું.
કેન્યાએ અદાણી ગ્રુપને આપેલો ઓર્ડર રદ કર્યો
અમેરિકાના આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરોનું છેલ્લા 2 દિવસમાં મોટું ધોવાણ થયું છે. જેના કારણે રોકાણકારો પણ ચિંતિત બન્યા છે. તો બીજી તરફ અદાણી ગ્રુપ પર આરોપ લાગ્યા બાદ કેન્યાએ એરપોર્ટ અને એનર્જી ડીલ રદ કરી નાખી છે. કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ જણાવ્યું હતું કે, તેમણે સંબંધિત એજન્સીઓને નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) અને અદાણી ગ્રુપ સાથે સરકારી માલિકીની પાવર યુટિલિટી સંબંધિત ચાલી રહેલી હસ્તગત પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રને આપેલા સંબોધનમાં રૂટોએ કહ્યું કે, આ નિર્ણય અમારી તપાસ એજન્સીઓ અને ભાગીદાર દેશો દ્વારા આપવામાં આવેલી નવી માહિતીના આધારે લેવામાં આવ્યો છે. જોકે, તેણે યુનાઇટેડ સ્ટેટ્સનું નામ લીધું ન હતું.
આ પણ વાંચો: