- બે દિવસમાં 955 એમએલ વરસાદ, જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ
- ગત વર્ષે અત્યાર સુધી 500 એમએમથી વધુ વરસાદ હતો
- વાવેતર પણ વરસાદ ખેંચાતા ઘટ્યું
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતની જેમ જ બે દિવસથી વરસાદની શરૂઆત થઇ છે પરંતુ 31 ઓગસ્ટ સુધીમાં ગાંધીનગર જિલ્લામાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં સમગ્ર જિલ્લામાં 955 એમ.એલ વરસાદ પડ્યો છે. બે દિવસમાં ગાંધીનાગર તાલુકામાં 185 એમ.એલ., દહેગામમાં 168 એમ.એલ. અને કલોલમાં 290 એમ.એલ. વરસાદ પડ્યો છે. જો કે બે દિવસ વરસાદ પડતાં ખેડૂતોએ રાહત અનુભવી હતી પરંતુ હજુ પણ વરસાદની ઘટ છે. જેથી ખેડૂતોને આશા છે કે, આગામી દિવસોમાં આ ઘટ પણ પૂર્ણ થાય.
ગત સિઝનમાં આ સમયે 808 એમ.એમ વરસાદ નોંધાયો હતો
જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી. જાદવે કહ્યું કે, ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી ઓગસ્ટ માસમાં 239 એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે 2020માં ઓગસ્ટમાં અત્યાર સુધી 808 એમએમ વરસાદ નોંધાયો હતો જ્યારે 2019ની જો વાત કરવામાં આવે તો ઓગસ્ટ માસ સુધીમાં 564 એમ.એમ વરસાદ પડયો હતો. સરેરાશ વરસાદ જોવા જઈએ 765 એમ.એમ પડતો હોય છે જ્યારે આ વખતે 32 ટકા જ વરસાદ ગાંધીનગર જિલ્લામાં નોંધાયો છે. ખેડૂતોએ દિવેલાના પાકમાં આંતર ખેડ કરવી જોઇએ. આ સિઝનમાં પાકને ખાતર આપવું, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ઇયળ સહિતના ઉપદ્રવને અટકાવવા દવાનો છંટકાવ કરવો જરૂરી છે.
જિલ્લાનું કુલ વાવેતર સરેરાશ ત્રણ વર્ષની સરખામણીએ ઓછું થયું
જિલ્લાના કુલ વાવેતરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું વાવેતર 116523 હેક્ટર જેટલું થયું છે. જો કે સરેરાશ ત્રણ વર્ષનું 136910 હતું. દહેગામમાં 38683 હેક્ટરમાં જ્યારે સરેરાશ ત્રણ વર્ષમાં 41394 હેક્ટર થતું હતું, ગાંધીનગરમાં અત્યાર સુધી 30287 જ્યારે સરેરાશ 3 વર્ષમાં 35582 હેક્ટર હતું. કલોલમાં 20375 હેક્ટર થયું છે જ્યારે સરેરાશ 33,174 હેક્ટર હતું જ્યારે માણસામાં 26,196 હેક્ટર થયું છે જ્યારે સરેરાશ વાવેતર 26,760 હેક્ટર હતું. આ વખતે પણ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, ધાન્ય, તુવેર,મગફળી, દિવેલા, તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિતના વાવેતર થયા છે. પરંતુ વરસાદ ખેંચાતા વાવેતરમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચતા અર્થતંત્ર પર મોટી અસર
આ પણ વાંચોઃ ચોમાસાની સિઝન બાદ દુષ્કાળની સ્થિતિ વિશે વિચારણા, હજુ એક મહિનો વરસાદ પડવાની આશા