ગત સામાન્ય ચૂંટણીના પરિણામથી ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ બહુમતી સભ્યો ધરાવે છે. તેમ છતાં અંદરોઅંદરની હુંસાતુંસી અને બળવાખોરીના કારણે કોંગ્રેસ પક્ષને સત્તા મેળવવાથી દૂર રહેવું પડ્યું છે. આવી પ્રવર્તમાન રાજકીય સ્થિતિમાં શુક્રવારે મળેલી બજેટ બેઠકમાં વર્ષ 2020-21નું બજેટ જિલ્લા કક્ષાએ અવલોકન માટે મોકલવા રજૂ કરવામાં આવ્યુ હતું. રૂ. 7.20 કરોડના આ બજેટમાં સામાજિક ન્યાય સમિતિ માટે 7 ટકા રકમ બાદ કર્યા બાદ બજેટ વાપરવાની સત્તા પ્રમુખ શોભનાબેન વાઘેલાને આપવાની દરખાસ્ત ભાજપના સભ્યએ રજૂ કરી હતી. આ પ્રકારની દરખાસ્ત લોકશાહીની દ્રષ્ટીએ અયોગ્ય હોવાની રજૂઆત સાથે કોંગ્રેસના કારોબારી ચેરમેન રસીકભાઇ ઠાકોરે વિરોધ વ્યકત કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય સભ્યોએ પણ સૂર પુરાવી ભારે હોબાળો મચાવી મુક્યો હતો.
સામાન્ય સભામાં કોંગ્રેસના ભારે વિરોધના હોબાળા વચ્ચે એક માત્ર કોંગી સભ્ય કુબેરસિંહ ગોલ ભાજપની તરફદારી કરતા રહ્યા હતાં અને પોતાના જ પક્ષના ચેરમેનને હિસાબ રજૂ કરવાની માગણી કરતા નજરે પડ્યા હતાં. ત્યારે વિવાદ વધુ વકરતા રોષે ભરાયેલા કોંગી સભ્યો સભાત્યાગ કરી બહાર નીકળી ગયા હતાં. તે સમયે કોંગ્રેસના સભ્ય કુબેરસિંહ ગોલે તેમની બેઠક જાળવી રાખી હતી અને ભાજપના પ્રસ્તાવને સમર્થન પણ આપ્યુ હતું.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા આંચકી લીધી હોવા છતાં કોંગ્રેસના પીઢ સભ્ય કુબેરસિંહ ગોલ કોંગ્રેસને મહાત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું શુક્રવારેની બજેટ બેઠકમાં જાહેર થઇ ગયુ હતું. તેમની બળવાખોરી ખુલ્લી પડી જતાં કોંગી સભ્યોએ ભારે નારાજગી સાથે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમની સામે પગલા ભરવા કોંગ્રેસના હાઇ કમાન્ડ સમક્ષ રજૂઆત કરવા તૈયાર થયા હતાં. જો કે તેમાં અંદરોઅંદર એવી ચર્ચા પણ થતી હતી કે આજ સુધી જિલ્લા કોંગ્રેસે કોઇ બળવાખોર સામે પગલા ભર્યા નથી. તે રીતે વધુ એક વખત જિલ્લાના કોંગી મોવડીઓ પાણીમાં બેસી જશે. એક સભ્યએ તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસને ડુબાડનારા પક્ષમાં જ બેઠા છે.