ભરૂચ: ઔદ્યોગિક નગરી ભરૂચ જાણે કે, નશીલા પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ડ્રગ્સના ઉત્પાદનના બે મોટા કાવતરા ઝડપાયા બાદ હવે ડ્રગની હેરાફેરી ઉજાગર થઈ છે. ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે પર MD ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.
180 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 ઝડપાયા: બાતમીના આધારે પોલીસની ટીમે કારેલી ગામ નજીક વોચ ગોઠવી હતી. જે અંતર્ગત પોલીસે એક ઈનોવા કારને અટકાવી હતી અને તેની અંદર તપાસ કરી હતી. કારની તપાસ દરમિયાન 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત 18 લાખ રૂપિયા જેટલી થાય છે.
ત્રણ આરોપી ઝડપાયા: આ ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે ઇલ્યાસઅલી હુસૈન મલેક , અશરફ બશીરભાઇ મુન્સી અને હનીફ રાજ નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. આ તમામ આરોપીઓ ભરૂચના દેરોલ ગામના રહેવાશી છે. જેમાંથી એક હિસ્ટ્રીશીટર છે, જયારે નાસી છુટવામાં સફળ થયો હતો. પોલીસે 22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
એક હિસ્ટ્રીશીટર નીકળ્યો: પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી રવાના થયો હતો, જેને ભરૂચ સહીત આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ માટે મોકલવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે મુંબઈના રઉફ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી ભરૂચ પોલીસે એક ટીમ મુંબઈ માટે રવાના કરી છે.
ઝડપાયેલ આરોપીઓ પૈકી ઇલ્યાસ અલી હુસૈન મલેક નશીલા પદાર્થોના કારોબારના બે ગુનામાં સામેલ ઉપરાંત બળાત્કારના અને મારામારીના એક ગુના મળીને કુલ 4 ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે.