ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. વિશ્વમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આ સાથે જ લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાએ ત્રીજા સ્ટેજમાં હવે પ્રવેશ કર્યો છે.
રાજ્યમાંથી દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં ગયેલા લોકોને શોધી પોલીસ કાર્યવાહી કરી રહીં છે, ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં રવિવારે એક દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં 14નો વધારો થયો છે. જેથી રાજ્યનો કુલ આંકડો 122 પહોંચ્યો છે.
બીજી તરફ આરોગ્ય અગ્રસચિવ હવે મીડિયાને જવાબ આપતા કંટાળ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. માત્ર ઔપચારિકતા બતાવવામાં આવતી હોય તેવી રીતે સંબોધન કરી રહ્યા છે. એક તરફ સમગ્ર રાજ્ય વાઇરસને લઈને થરથર કાંપી રહ્યુ છે, ત્યારે બીજી તરફ એજ જૂની પુરાણી કેસેટ વગાડવામાં આવી રહી છે. નાગરિકોએ બહાર નીકળવું નહીં, માસ્ક પહેરેલો રાખવું જે સામાન્ય સૂચનો છે તેને વારંવાર દેખાડવામાં આવી રહ્યાં છે.