વાપીઃ શહેરમાં અને નોટિફાઇડ વિસ્તારમાં કોરોનાના સંક્રમણ રોકવા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પાલિકા, વીઆઇએ, વેપારી મંડળના હોદેદારોની હાજરી વચ્ચે 24 મે સુધી વાપી શહેરને સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, જેના પ્રથમ દિવસે વેપારીઓએ અને લોકોએ સજ્જડ સમર્થન આપ્યું હતું. પ્રજાના આ સમર્થનનો વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે આભાર માન્યો હતો.
શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોની સંખ્યા વધી છે. આગામી દિવસોમાં કેસો ન વધે તે માટે બુધવારે કલેક્ટર સી. આર. ખરસાણની અધ્યક્ષતામાં વાપી તાલુકા સેવા સદનમાં બેઠક મળી હતી. જેમાં પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા, પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, વેપારી એશોસિયનના હોદેદારો અને અધિકારીઓની હાજરી વચ્ચે વાપી શહેર 24 મે સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી પારડીના ધારાસભ્યએ સ્વૈચ્છિક બંધ રાખવા અનુરોધ કરતાં આ નિર્ણય લેવાયો હતો. જો કે આવશ્યક ચીજ વસ્તુઓ સવારે 8 થી 12 સુધી મળી રહેશે. છેલ્લા 4 દિવસમાં વાપીમાં 8 કેસો નોંધાયા છે. જેને ધ્યાને રાખી લેવાયેલા આ નિર્ણય બાદ ગુરુવારે વાપીની મુખ્ય બજાર સહિત અન્ય વિસ્તારોની તમામ બજારો સ્વયંભું બંધ રહી હતી. આ અંગે વાપી નગરપાલિકાના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલે લોકોનો આભાર માની જણાવ્યું હતું કે લોકડાઉન બાદ સરકારે દુકાનો ખોલવાનો નિર્ણય જાહેર કર્યો હતો, પરંતુ વાપીમાં ચાર દિવસમાં 8 કેસ નોંધાતા અમે લોકોને અપીલ કરી હતી. જે અપીલ ને માન આપી લોકોએ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખ્યા છે. તેમજ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં 24મી મેં બાદ વેપાર ધંધા શરૂ કરી શકાશે, ત્યારે પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ઉપયોગ કરે તો આગામી દિવસોમાં આપણે કોરોનાની મહામારી સામે મહદઅંશે રક્ષણ મેળવી શકીશું. હાલમાં બે મહિનાથી વેપારીઓની હાલત ચોક્કસ કફોડી થઈ છે. પરંતુ તે સાથે આગામી દિવસોમાં સંક્રમણને અટકાવવાના પગલાં સાથે આગળ વધશું તો વાપીમાં વધતા કેસ પર નિયંત્રણ લાવી શકાશે.