દમણમાં 1 એપ્રિલ 2018ના રોજ ડાભેલ વિસ્તારમાં અજય માંજરા અને તેમના સાથી ધીરેન્દ્ર પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતાં. આ કેસમાં દમણ પોલીસે 8 જેટલા લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
દમણ પોલીસે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખા પટેલની પણ હત્યારાઓને મદદ પહોંચાડવાની આશંકા સેવી હતી. જેથી સુખા પટેલ દમણ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો છે. આ સમગ્ર મામલે દમણ પોલીસે સુખા પટેલ અને અન્ય શકમંદોની તપાસ કરી રહી હતી, તે દરમિયાન બાતમી આધારે પોલીસે સુરતમાંથી આ બંને આરોપીની ધરપકડ કરી છે. ત્યારબાદ બન્ને આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેથી કોર્ટે 29મી જાન્યુઆરી સુધી આરોપીને પોલીસ રિમાન્ડમાં રાખવાનો આદેશ આપ્યો છે.
રવિવારે મોડી સાંજે સુખા પટેલના નજીકના ગણાતા મિતેન પટેલ અને વિપુલ પટેલની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. મિતેન પટેલ સુખા પટેલને ત્યાં નોકરી કરે છે. જ્યારે વિપુલ તેમનો સંબંધિ છે. બન્ને વિરૂદ્ધ દમણ પોલીસ IPC ધારા 341, 302, 120(બી) તથા આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. પોલીસનો આરોપ છે કે, મિતેન અને વિપુલ હત્યાના ષડયંત્રમાં સામેલ હતા. અને સુખા પટેલને દમણથી ભગાડવામાં પણ મદદ પહોંચાડી હતી.
દમણના આ ચકચારી ડબલ મર્ડર કેસમાં દમણ પોલીસે અત્યારસુધીમાં કુલ 10 આરોપીની ધરપકડ કરી છે અને આગામી દિવસોમાં સુખા પટેલની પણ ધરપકડ કરવામાં આવે, તેવા પ્રયાસો પોલીસ કરી રહી છે.