- SBPP બેન્કના ડિરેક્ટરો માટે મતદાનનો પ્રારંભ
- 37 ઉમેદવારો માટે સભાસદોએ મતદાન કર્યું
- એવા ડિરેક્ટરો ચૂંટાઈને આવે જે બેંકને પ્રગતિના પંથે લઈ જાય
વાપી: વલસાડ જિલ્લામાં 1930માં સ્થપાયેલી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કો- ઓપરેટિવ બેન્કના 18 ડિરેક્ટરો માટે 37 ઉમેદવારોનાં મેદાનમાં છે. જે માટે રવિવારે જિલ્લાના 10 મુખ્ય મતદાન મથકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો છે. મતદાન મથક પર મતદાન કરવા આવનારા સભાસદોએ બેન્ક ઉતરોતર પ્રગતિ કરે તથા સારા ઉમેદવાર ચૂંટાઈને ડિરેક્ટર બને તેવી આશા અપેક્ષાઓ સેવી હતી.
10 મુખ્ય મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો
વલસાડ જિલ્લાની પ્રતિષ્ઠિત કહેવાતી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કો- ઓપરેટિવ બેન્કના 18 ડિરેક્ટરો માટે રવિવારે સવારે આઠ વાગ્યાથી જિલ્લાના 10 મુખ્ય મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. 18 ડિરેક્ટરો માટે યોજાઇ રહેલી આ ચૂંટણીમાં 37 ઉમેદવારોનાં મેદાનમાં છે. જેમાં 18 ઉમેદવારોની પેનલ ભાજપ પ્રેરિત સહકાર પેનલ છે. જે કીટલીના નિશાન પર આ ચૂંટણી લડી રહી છે. જ્યારે તેમની સામે 18 ઉમેદવારો સાથે ફૂટબોલના નિશાન પર બિનરાજકીય પેનલ ચૂંટણી લડી રહી છે.
સભાસદ મતદારોએ પોતાની પ્રતિક્રિયા આપી
રવિવારે વહેલી સવારથી જિલ્લાના મુખ્ય સ્થળો પર મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જિલ્લાના 37 હજાર જેટલા સભાસદોમાંથી મોટાભાગના સભ્યોએ વહેલી સવારે જ મતદાન મથકો પર પહોંચીને પોતાનો કિમતી મત આપ્યો હતો. કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સાવચેતી સાથે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયામાં મતદાન કરવા આવેલા સભાસદ મતદારોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
પ્રાઇવેટ સેક્ટર જેવી સુવિધા મળે
મતદારોએ જણાવ્યું હતું કે, જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં અન્ય બેન્કો જે સુવિધાઓ પૂરી પાડે છે. તેવી સુવિધાઓ આ બેન્કમાં પણ પૂરી પાડવી જોઈએ. મતદારોએ સક્ષમ ઉમેદવારને ચૂંટવો જોઈએ. જે બેન્કને ઉત્તરોતર પ્રગતિ કરાવે, બેન્કની ડિપોઝીટ- ધિરાણોમાં ફેરફાર કરે, ઓનલાઈન પ્રક્રિયા અને પેપરલેસ કામગીરીની સેવા ગ્રાહકોને પૂરી પાડે તેવા ઉમેદવારો ડિરેક્ટર પદે ચૂંટાઈને આવે તે ખૂબ જ જરૂરી છે.
ગ્રાહકો માટે સારી સુવિધા પૂરી પાડે
મતદારોએ જે પેનલ વિજેતા બને એ પેનલ બેન્કની પ્રગતિ કરવા ઉત્સાહિત પેનલ હોવી જોઈએ. ગ્રાહકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દરેક પ્રક્રિયાને સરળ બનાવી પ્રાઇવેટ બેન્કોની હરોળમાં આ બેન્કને આગળ લઈ જાય તેવા મહેનતુ અને સારા ડિરેક્ટરો ચૂંટાઈને આવે તેવી આશા સેવી હતી.
સોમવારે પરિણામ જાહેર કરાશે
ઉલ્લેખનીય છે કે, સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કો- ઓપરેટિવ બેન્કની વર્ષ 1930માં સરદાર ખાનબહાદુર વિકાજી પીરોજશાહ ભીલાડવાલાએ પારડી ખાતે પ્રથમ શાખા સ્થાપી હતી. 1933માં વાપી ટાઉન વિસ્તારમાં બીજી શાખા સ્થાપી હતી. જે બાદ અત્યાર સુધીમાં કુલ 11 શાખા આ બેન્ક ધરાવે છે. દર વર્ષે 1178 કરોડનો વેપાર કરે છે. બેન્કમાં 746 કરોડથી વધુની ડિપોઝિટ છે. જ્યારે 432 કરોડથી વધુનું ધિરાણ છે. હાલ નવા 18 ડિરેક્ટરો માટેની ચૂંટણીનું રવિવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું હતું. જ્યારે સોમવારે ડિરેક્ટરો માટે થયેલા મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : 91 વર્ષ જૂની SBPP બેંક પર ચોક્કસ લોકોના કબ્જાથી શાખ વધી, પણ શાખા માત્ર 11 જ રહી