- SBPPના ડિરેક્ટરોની ચૂંટણી સંપન્ન
- 18 ડિરેક્ટરો માટે કુલ 51.04 ટકા સરેરાશ મતદાન નોંધાયું
- મતદાનમાં 37 ઉમેદવારો મેદાનમાં છે
વલસાડ: જિલ્લાની 91 વર્ષ જૂની સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કો- ઓપરેટિવ બેન્કના 18 ડિરેક્ટરો માટેની ચૂંટણીનું રવિવારે મતદાન થયું હતું. જેમાં કુલ 37,680 સભાસદ મતદારો પૈકી 18842 મતદાતાઓએ મતદાન કરતા કુલ 51.04 ટકા મતદાન નોંધાયું હતું.

18 ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી
રવિવારે વલસાડ જિલ્લાના 10 સ્થળો પર સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કના 18 ડિરેક્ટરો માટે મતદાન યોજાયું હતું. વલસાડ જિલ્લામાં કુલ 37,680 સભાસદ મતદારો ધરાવતી SBPP બેન્કના ડિરેક્ટરોની ચૂંટણી જંગમાં કુલ 37 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલના 18 ઉમેદવારો, બિન રાજકીય પેનલના 18 ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

18842 મતદારોએ કર્યું મતદાન
રવિવારે વાપીમાં કુમારશાળા, GIDC વાપીમાં ઉપાસના સ્કૂલ સહિત કુલ 10 સ્થળોએ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં પારડીમાં 4358, વાપી ટાઉનમાં 4226, ઉદવાડા સ્ટેશન ખાતે 2718, ઉદવાડા ગામમાં 394, વાપી GIDCમાં 3177, ઉમરસાડીમાં 1281, પારનેરામાં 1275, વલસાડમાં 979, ભિલાડમાં 434 સભાસદ મતદારો મળી કુલ 18,842 મતદારોએ મતદાન કરતા સરેરાશ 51.04 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ટકાવારી મુજબ ભિલાડ મથકમાં સૌથી વધુ 73.19 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વાપી GIDC વિભાગમાં સૌથી ઓછું 44.80 ટકા મતદાન નોંધાયું હતું. વાપી ટાઉન વિભાગમાં 45.51 ટકા, તો પારડી વિભાગમાં 51.86 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું.

મતદાન બાદ બન્ને મુખ્ય પક્ષોએ કર્યા જીતના દાવા
ઉલ્લેખનીય છે કે SBPP બેન્કના 18 ડિરેક્ટરો માટે આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે સવારે 8 વાગ્યાથી પ્રારંભ થયા બાદ સાંજે 6 વાગ્યે સંપન્ન થઈ હતી. જ્યારે તમામ EVMને સીલ કરી સ્ટ્રોંગરૂમ ખાતે લઈ જવાયા હતાં. સોમવારે પારડી મુખ્ય શાખા ખાતે ઉમેદવારોની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે. હાલ તો મુખ્ય બન્ને પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા.

આ પણ વાંચો : 91 વર્ષ જૂની SBPP બેંક પર ચોક્કસ લોકોના કબ્જાથી શાખ વધી, પણ શાખા માત્ર 11 જ રહી