- ક્યારે થશે મહુવા બંદરનો વિકાસ...?
- રાજાશાહી વખતમાં સ્થાપવામાં આવ્યુ હતુ બંદર
- મહુવાના દરિયાઈ ખેડૂઓ જાફરાબાદ બંદર પર નિર્ભર
ભાવનગર: અરબી સમુદ્રના કિનારે વસેલું મહુવા બંદર આજે મૃત હાલતમાં છે. આ બંદર રાજાશાહી વખતમાં સ્થાપવામાં આવ્યુ હતુ. આ બંદર એક સમયે ધમધમતું હતું જ્યારે આજે આ બંદર જાફરાબાદ પર નિર્ભર છે. મહુવા બંદર પર સિગ્નલ ટાવર પણ છેલ્લા 20 વર્ષથી ક્ષતિગ્રસ્ત છે. જેથી માછીમારોને મુશ્કેલી ભોગવવી પડે છે.
દેશ-વિદેશના અનેક જહાજોથી થતું વસ્તુઓનું આદાનપ્રદાન
મહુવા બંદર પર દેશ-વિદેશના અનેક જહાજોથી વસ્તુઓનું આદાનપ્રદાન થતું હતું. મોટા પાયે કારોબાર પણ થતાં હતાં. એક સમયે પોસ્ટલ એડ્રેસમાં પણ મહુવા બંદર લખાતું હતુ. છેલ્લા 20 વર્ષથી મહુવા બંદરની માઠી બેઠી છે. બંદરની જેટી પર માટીનો કાપ ભરાય ચુક્યો છે અને રાજાશાહી વખતના યંત્રો ધૂળ ખાઈ રહ્યા છે.
બંદર પર સિગ્નલોના ટાવર પણ પડી ચુક્યા
બંદર પર અતિસંવેદનશીલ ગણાતાં ભય જનક સિગ્નલોના ટાવર પણ પડી ચુક્યા છે. જે માછીમારોને દરિયામાં કરંટ, વાવાઝોડાની સ્થિતિ અંગેના માર્ગદર્શન આપતા હોય છે એ ટાવર પણ છેલ્લા 15 વર્ષથી પડી ચુક્યો છે. હાલ માછીમારો જાફરાબાદના સિગ્નલ પર આધારિત રહે છે. અને તે પણ યોગ્ય રીતે મળતા નથી જેના કારણે દરિયાઈ ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.
આ પણ વાંચો: અલંગ ખાતે બાલા-સી નામનું જહાજ ભંગાણ અર્થે આવ્યું
પોર્ટ ફરી ક્યારે ધમધમતું થશે..?
આ બાબતે સરકારી બાબુઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાતા તેઓએ કેમેરા સમક્ષ કશું નહીં કહેવાનું જણાવ્યું હતું. પરંતુ એક તરફ વિકાસની ગાથા ગાનારી સરકાર કોસ્ટલ એરિયા ડેવલોપમેન્ટની વાતો કરતી સરકારની નજર મહુવા પોર્ટ તરફ ક્યારે ફરશે તે એક મોટો સવાલ છે. જ્યારે અહીંના માછીમારો પોર્ટ ફરી ક્યારે ધમધમતું થશે..? તે અંગેની મીટ માંડીને બેઠા છે.