- મહુવા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ
- પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
- ચૂંટણીમાં 2 જ ફોર્મ ભરાયા હતા
ભાવનગર: આજે ગુરુવારે સવારે 10 કલાકે મહુવા નગરપાલિકાના સભાખંડમાં કલેક્ટરની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 2 જ ફોર્મ ભરાયા હતા. જેમાં ગીતા રમેશભાઈ મકવાણા પ્રમુખ અને સંજય બારોટ ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.
પહેલી વખત ચૂંટાયા અને પ્રમુખનો તાજ પહેરવા મળ્યો
પ્રમુખ ગીતાબેનએ પૂર્વ પ્રમુખ રમેશ મકવાણાના પત્ની છે અને રમેશભાઈ પોતે 3 ટર્મ ચૂંટણી લડ્યા હોય ભાજપના પક્ષના આદેશ મુજબ તેઓ ચૂંટણી લડી શકે તેમ ન હોય તેમના પત્નીને તેમના સ્થાન ઉપર ચૂંટણી લડાવી હતી અને તેઓ અગાઉ રાજકારણમાં ન હતા. છતાં પહેલી વખત ચૂંટાયા અને પ્રમુખનો તાજ પહેરવા મળ્યો છે અને પોતે 4 ચોપડી ભણેલા છે. જ્યારે ઉપપ્રમુખ સંજય બારોટ મહુવા જે. પી. પારેખ હાઇસ્કુલમાં પ્રિન્સિપાલ છે અને હમણાં જ જિલ્લા ભાજપમાં કોષોધ્યક્ષની જવાબદારી મળેલી પણ તેમણે ચૂંટણી લડતા તેમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને તેઓ ઉપપ્રમુખ બન્યા છે.
પક્ષમાં આંતરિક ઝધડાએ એવું લાગતું હતું કે ભાજપ સતા સ્થાને નહિ બેસે
ગઈકાલ સુધી મહુવામાં અનેક ચર્ચાનો દોર ચાલતો હતો. વૉર્ડ નંબર 1માં લાંબા સમય પછી 4 બેઠક ભાજપના ફાળે આવી હતી. તેના વિજેતા ઉમેદવાર બળવો કરવાના મૂડમાં હતા પણ પદાધિકારીઓની સમજણથી આજે ભાજપના જ પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક શક્ય બની હતી. આમ આજે મહુવામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી.