- ભાવનગરના પાલીતાણાનો બનાવ
- જુગાર પર દરોડો પાડવા જનારી પોલીસ પર હુમલો
- કુલ 5 લોકો સામે નોંધાવવામાં આવી ફરિયાદ
ભાવનગર : પાલીતાણા ટાઉન પોલીસને બાતમી મળતા જુગાર રમતા શખ્સોને પકડવા માટે ગઈ હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમનારાઓ ભાગ્યા અને એક ઝડપાઇ જતા તેણે બૂમાબૂમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ પર જ હુમલો કર્યો હતો. જેના પગલે પોલીસ દ્વારા આ ઘટના સંદર્ભે માર મારવાની તેમજ ફરજમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ક્યા બન્યો હતો બનાવ ?
ભાવનગરના પાલીતાણા પોલીસનો સ્ટાફ 20 જૂનની રાત્રે 11 કલાકે પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે, પાલીતાણાના માનસિંહજી હોસ્પિટલ પાછળ આવેલી સર્વોદય સોસાયટીમાં બજરંગદાસ બાપાની મઢુલી પાસે કેટલાક શખ્સો જાહેરમાં લાઈટ નીચે જુગાર રમી રહ્યા છે. તેથી પોલીસ સ્ટાફ ત્યાં દરોડો પાડવા પહોંચ્યો હતો. પોલીસ જુગાર રમનારને પકડે તે પહેલાં જ જુગારિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.
કોની કોની સામે નોંધાવવામાં આવી પોલીસ ફરિયાદ ?
પોલીસને જોઈને ભાગવા લાગેલા જુગારિયાઓને પકડવા પોલીસ તેમની પાછળ દોડવા લાગી હતી. આ દરમિયાન પોલીસના હાથે પકડાયેલા એક શખ્સે બોલાચાલી શરૂ કરતા સોસાયટીમાં રહેતા કેટલાક લોકો બહાર દોડી આવ્યા હતા અને પોલીસ કર્મીઓ પર હુમલો કરીને નાસી છૂટ્યા હતા. બનાવ બાદ પોલીસ કર્મીઓને અન્ય પોલીસ કર્મીઓ આવતા બચાવી લેવાયા હતા. બનાવ સંદર્ભે પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ મારુએ 5 શખ્સો સામે માર મારવાની અને ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવી છે. જેમાં સાદુલ સાટિયા ભરવાડ, રાઘુભાઈ સાટિયા ભરવાડ, મનોજ રાઠોડ, ગોપાલ સાદુલ સાટિયા અને સફેદ ટી શર્ટ વાળા અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે. સામે ફરિયાદ દાખલ કરાવી છે