- શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પાછા આવવાની વાતથી રાજકીય ગરમાવો
- બાપુ તમામ મોરચે ફેઈલ ગયા છે
- કોંગ્રેસ કેટલો વિશ્વાસ મુકશે તે સવાલ છે
અમદાવાદ: શંકરસિંહ વાઘેલાનું નામ આવે એટલે રાજકારણમાં એમને એમ ગરમાવો આવી જાય છે. બાપુએ ખજૂરાહો કાંડ કર્યો હતો, તે પણ યાદ આવી જાય સત્તા પલટવામાં બાપુને હજી લોકો યાદ કરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા મૂળ આરએસએસના અને પછી જનસંઘના વખતથી તેઓ ભાજપમાં હતા. પછી તેઓ કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાયા હતા. એનસીપી છોડીને પ્રજા શક્તિ પક્ષ રચ્યો છે. તે પક્ષમાં જામ્યુ નહીં એટલે હવે કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ મેળવવા પ્રયત્ન શરૂ કર્યો છે.
બાપુના વીડિયાએ કોંગ્રેસ અને ભાજપમાં ચર્ચા જગાવી
શંકરસિંહ વાઘેલાએ બુધવારે વીડિયો જાહેર કર્યો અને તેમાં તેમણે કહ્યું કે અહેમદ પટેલનું નિધન થયું ત્યાં હું ગયો હતો અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાન નેતાઓ મને ભેટી પડ્યા અને રડી પડ્યા અને કહ્યું કે બાપુ હવે પાછા આવી જાવ. જો સોનિયા ગાંધી મને કહેશે તો હું પાછો આવી જઈશ અને બિનશરતી જોડાવા તૈયાર છું. હજી મારા દિલ્હી સાથેના સંબધ છે. જે વીડિયા પછી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં ચર્ચાઓ ચગડોળે ચડી છે. કારણ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે.
મતદારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 ઓપ્શન મળશે
6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી આવી છે. જે અગાઉ રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIMએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ 2 જ ઓપ્શન હતા, પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 ઓપ્શન થયા છે. આમ આદમી પાર્ટીની ઉમેદવાર આવ્યા છે અને AIMIMના ઉમેદવાર કોંગ્રેસના મત કાપશે તો જેનો સીધા ફાયદો ભાજપને થઈ શકે છે. કોંગ્રેસ પક્ષમાં હાલ ફફડાટ છે કે આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાય તો પરિણામ જુદુ આવી શકે તેમ છે. પણ આમ આદમી પાર્ટી અને ઓવૈસી કોને નુકસાન કરશે? તેનું આકલન કરવાની જરૂર છે. હાલ તો AIMIMને B પાર્ટી તરીકે ઓળખાઈ રહી છે, જો કે AIMIMના પ્રદેશ પ્રમુખ સબીર કાબલીવાલાએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ B પાર્ટી નથી. અમે જનતાનો અવાજ લઈને આવ્યા છીએ અને સીધો ચૂંટણી જંગ લડીશું અને પ્રજાની સેવા કરીશું.
પાર્ટીને જરૂર હતી ત્યારે બાપુએ કોંગ્રેસ છોડી હતી
બીજી તરફ હવે વાત એ છે કે શંકરસિંહ વાઘેલા રાજકીય રીતે તમામ મોરચે નિષ્ફળ ગયા છે. વાઘેલાના કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય અને ભાજપને કોઈ નુકસાન નહીં થાય. વાઘેલાના સમયનું રાજકારણ હવે પૂર્ણ થયું છે. હાલ એવી વાતો છે કે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના જવાથી એ જગ્યા ખાલી પડી છે. તે ખાલી જગ્યા પૂરવા માટે સોનિયા ગાંધી કદાચ શંકરસિંહ વાઘેલાને તક આપે. પરંતુ તેઓ અગાઉ જ્યારે કોંગ્રેસને જરૂર હતી, ત્યારે પાર્ટી છોડીને જતા રહ્યા હતા અને રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. તો પછી હવે પાર્ટી કેટલો વિશ્વાસ મુકે છે, તે જોવું રહ્યું. જો કે, કોંગ્રેસ પાર્ટીને જરૂર છે આવા સિનિયર નેતાની, તો કદાચ બાપુને બિનશરતી જોડાવા માટે તક આપવામાં આવે પણ ખરી, પરંતુ બાપુના આવવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને સીધો ફાયદો થાય તેવું લાગતું નથી.
કોંગ્રેસના જ નેતાઓનો વિરોધ શરૂ
બાપુ હજી કોંગ્રેસમાં આવ્યા નથી, તે પહેલા કોંગ્રેસમાં બખેડા શરૂ થયા છે. પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, શંકરસિંહે પોતાની કારકિર્દી દરમિયાન એક જ કામ કર્યું છે અને તે જુથવાદ છે. કોંગ્રેસમાં તેઓ આવશે તો કોંગ્રેસમાં જુથવાદ વધારવા સિવાય કોઈ કામગીરી કરશે નહી.
રાજકીય નિષ્ણાત શું કહી રહ્યા છે?
રાજકીય નિષ્ણાત હરિ દેસાઈએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સ્ટોરી શંકરસિંહ વાઘેલા તરફથી આવે છે. કોંગ્રેસ તરફથી નથી આવતી અને બીજી વાત શંકરસિંહ વાઘેલાની હેસિયત શું છે? શંકરસિંહ વાધેલાની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટની ફાઈલ હજી બંધ થઈ નથી. એટલે તેમને ભાજપનો ખેલ ખેલવાનો જ છે. આ વાત કોંગ્રેસ બરોબર જાણે છે. અહેમદ પટેલના નિધન વખતે શંકરસિંહ વાઘેલા પિરામણ ગયા હતા, ત્યાં રાહુલ ગાંધીએ તમામના નમસ્કાર સ્વીકાર્ય કર્યા હતા, પરંતુ શંકરસિંહના નમસ્કારનો સ્વીકાર કર્યો નહોતો. તે તો ટીવી કેમેરામાં પણ કેદ થયું છે. રાહુલ ગાંધી તેમને પસંદ કરતા નથી. વિધાનસભાની ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ભરતસિંહની સામે શંકરસિંહને કહ્યું હતું કે આપ હમારે અગલે મુખ્યપ્રધાન રહેંગે, તો શંકરસિંહને એમ થયું કે હું મુખ્યપ્રધાન પદનો ઉમેદવાર બનું તો હવે મારી ટીમ પણ હું નક્કી કરું. કોંગ્રેસવાળા એટલા મુર્ખ તો નથી કે કોંગ્રેસવાળા તેમની મજબૂરી ન જાણતા હોય. આવું વીવરીગ માઈન્ડ ધરાવે છે વાઘેલા. જુઓ તે સંઘ પરિવારમાં મોટા થયા છે. ભાજપને તેમણે સત્તા સુધી પહોચાડી છે. 1995માં તેમને સત્તા મળી નહીં, ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યા. તે વખતે તેઓ બગાવત કરી હતી. તેમનો ટેમ્પરામેન્ટ કોઈ જગ્યાએ સેટ થવાનો નથી.
ગુજરાતની જનતા શંકરસિંહને સારી રીતે ઓળખે છેઃ હરિ દેસાઈ
હરિ દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, શંકરસિંહ વાઘેલા ભાજપ છોડીને કોગ્રેસમાં ગયા ત્યારે કોંગ્રેસે તેમને કેન્દ્રીય પ્રધાન બનાવ્યા, અધ્યક્ષ બનાવ્યા, વિપક્ષના નેતા બનાવ્યા, તેમણે કોંગ્રેસને શું આપ્યું. પછી તેમણે કોંગ્રેસ પણ છોડી. જનતા બધુ જાણે છે. જો કોંગ્રેસ શંકરસિંહને લેશે તો તે આત્મધાતી નિવડશે. શંકરસિંહ વાઘેલાને ગુજરાતની જનતા જાણે છે. તેઓ મત કાપવાથી વધારે કાંઈ નથી કરતા. તેમને ભાજપનો ખેલ ખેલવાનો છે. બાકી કાંઈ નથી.
અમદાવાદથી અંજલી દવે અને ભરત પંચાલનો વિશેષ અહેવાલ...