અમદાવાદ: ઉત્તરાયણમાં પતંગ અને ફીકરીની સાથે સૂર્ય પ્રકાશથી આંખોના રક્ષણ તથા ફેશન માટે ચશ્મા પહેરવાનો ક્રેઝ જોવા મળતો હોય છે. નાના બાળકોથી લઈને યુવાનો સુધી દરેક આ દરમિયાન ધાબા પર સનગ્લાસ પહેરીને પતંગ ચગાવતા હોય છે. જેથી કરીને સૂર્ય પ્રકાશમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકે. ત્યારે આ વર્ષે ચશ્માની કેવી અવનવી વેરાઈટી માર્કેટમાં આવી છે, ચાલો જાણીએ...
ઉત્તરાયણમાં ચશ્માનો ક્રેઝ
ચશ્માના વેપારી યોગેશભાઈએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં લોકો ખૂબ જ શોખથી ચશ્મા પહેરે છે. કારણ કે એની આંખો સારી રીતે ખુલી રહે અને આંખોમાં સૂર્યની કિરણ સીધા ના પડે એટલે ચશ્મા વધારે પહેરે છે. સૌથી વધારે પોલરાઇઝ મટીરીયલના ચશ્મા લોકો ખરીદે છે, જેની કિંમત 300થી શરૂ થાય. ચશ્મા તો લોકો કાયમી પહેરે જ છે. પરંતુ ઉતરાયણના દિવસે ફેશન અને સેલ્ફી પાડવા માટે પણ છોકરીઓ વધારે ચશ્મા પહેરે છે. ચશ્માના વેપારમાં પણ તેજી આવે છે.
ચશ્મામાં અવનવી વેરાઈટી
જ્યારે અન્ય ચશ્માના વેપારી મુસ્તફાએ જણાવ્યું હતું કે, હાલ બજારમાં ઘણા નવા વેરાઈટીના ચશ્મા આવ્યા છે. જેને ઉત્તરાયણના દિવસના કારણે ખરીદવા માટે લોકો ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને પોલરાઇઝ, બ્લેક, બ્રાઉન કાચના ચશ્મા લોકો સૌથી વધારે ખરીદે છે, અને શેપની વાત કરીએ તો ગોળ અને ચોરસ ચશ્મા આવે છે. જેની પ્રાઈઝ 40 થી લઈને 100 રૂપિયા સુધી હોય છે. અમારે ત્યાં હોલસેલમાં ચશ્મા વેચવામાં આવે છે. અમારી દુકાન 15 વર્ષ જૂની દુકાન છે અને અહીંયાથી ઘણા વેપારીઓ અમારી દુકાનથી ચશ્મા લઈને પોતાની નાની દુકાનોમાં વેચે છે, ખાસ કરીને ઉતરાયણમાં આંખો પર સૂર્યની રોશની ના પડે એટલે લોકો ખૂબ જ ઉત્સાહથી નવા નવા પ્રકારના ચશ્માં ખરીદવા માટે આવી રહ્યા છે.
ચશ્મા ખરીદવા માટે આવેલા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, પતંગ ઉડાવતી વખતે ચશ્મા પહેરીને પતંગ ઉડાવવામાં ખૂબ જ મજા આવે છે, અને સનલાઈટ આંખો પર પડતી નથી.
માર્કેટમાં સનગ્લાસ 3 પ્રકારના મળે છે
ઉલ્લેખનીય છે કે બજારમાં ત્રણ પ્રકારના સન ગ્લાસ મળે છે જેમાં પ્રથમ પ્રકાર માત્ર ફેશન માટેના ચશ્માં હોય છે, જેને માત્ર ફેશન માટે પહેરવામાં આવે છે . આવા ચશ્મા આંખો માટે કોઈ રક્ષણ પૂરું પાડતું નથી તે માત્ર સૌંદર્ય લક્ષી હેતુઓ માટે હોય છે. બીજા પ્રકારને ડાર્ક સાઈડ ચશ્મા તરીકે ઓળખવામાં આવે છે જે ગરમ હવામાનમાં સૂર્યથી રક્ષણ આપે છે. ત્રીજા પ્રકારના ચશ્મા સૌથી વધારે લોકપ્રિય છે તેમાં પોલરાઈઝ અને ફોટો ક્રોમિક ચશ્માનો સમાવેશ થાય છે. જે સૂર્યના કિરણથી રક્ષણ આપે છે. ફોટો ક્રોમિક ચશ્મા સફેદ રંગથી શરૂ થાય છે પરંતુ જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે ઘાટા થઈ જાય છે. પોલરાઈઝ ચશ્મા ફિલ્ટરિંગ અને સખત સૂર્યપ્રકાશથી રક્ષણ પૂરું પાડે છે.
આ પણ વાંચો: