જૂનાગઢ: જિલ્લાની કોર્પોરેશન અને 6 નગરપાલિકાઓમાં આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે એકલદોકલ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. રવિવાર અને રજાનો દિવસ તેમજ સ્થાનિક ચૂંટણી હોવાના કારણે વહેલી સવારથી મતદારોનો ઉત્સાહ મતદાન પ્રત્યે ઓછો જોવા મળ્યો છે.
જૂનાગઢ કોર્પોરેશન માટે મતદાન થયું શરૂ: આજે જૂનાગઢ કોર્પોરેશન માટે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં લોકો પાખી હાજરીમાં પોતાનો મત આપવા માટે આવી રહ્યા છે. મતદાનના શરૂઆતના 2 કલાકમાં અંદાજિત ત્રણથી ચાર ટકા જેટલું મતદાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં થઈ હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આજે રવિવાર અને રજાનો દિવસ હોવાને કારણે પણ મતદારો મતદાન પ્રત્યે સવારના સમયમાં નિરુત્સાહી જોવા મળી શકે છે પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ મતદાનની ટકાવારીમાં ચોક્કસપણે વધારો થતો જોવા મળશે. પરંતુ હાલ વહેલી સવારના સમયે મતદાન મથકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અને તેના પરિવારજનોની સાથે એકલ દોકલ મતદારો પોતાનો મત આપવા માટે મતદાન મથક પર આવી રહ્યા છે.


ચાર કલાકમાં કયા કેટલું થયું વોટિંગ?
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે વિસાવદર, માંગરોળ, ચોરવાડ, વંથલી, બાટવા અને માણાવદર નગરપાલિકામાં પણ મતદાન પ્રક્રિયા આજે વહેલી સવારથી શરૂ થઈ છે. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પહેલા ચાર કલાક દરમિયાન 13.81 ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ નંબર એકમાં 20.4 ટકા, વોર્ડ નંબર 04માં 17.25 ટકા, વોર્ડ નંબર 15 માં 17.11 ટકા અને વોર્ડ નંબર 2 માં 16.64 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 માં 8.29 ટકા અને વોર્ડ નંબર 11 માં 9.55 ટકા મતદાન નોંધાયું છે.આ સિવાય બાકી રહેતા અન્ય વોર્ડમાં 10 ટકાની આસપાસ સરેરાશ મતદાન પહેલા ચાર કલાક દરમિયાન નોંધાયું છે.
જૂનાગઢ કોર્પોરેશનની સાથે આજે જિલ્લાની 6 નગરપાલિકાઓમાં પણ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થાય છે. જેમાં વિસાવદર નગરપાલિકામાં 18.59 ટકા, વંથલી નગરપાલિકામાં 23.82 ટકા, બાટવા નગરપાલિકામાં 18.95 ટકા, માંગરોળ નગરપાલિકામાં 22.7 ટકા, ચોરવાડ નગરપાલિકામાં 28.78 ટકા મતદાન પહેલા ચાર કલાક દરમિયાન નોંધાયું છે.
આ સિવાય વંથલી તાલુકા પંચાયતની કણજા બેઠક પર પહેલા ચાર કલાક દરમિયાન 22.28 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
આ પણ વાંચો: