ભરૂચઃ બે વર્ષ પહેલા બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાનના ઘરના ત્રીજા માળ સુધી પહોંચી ગયેલા યુવાનની ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાનના ઘરમાંથી લાખોની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે તેના મિત્ર પાસેથી ચોરીનો સામાન પણ જપ્ત કરી લીધો છે. તેણે ભરૂચમાં કેવી રીતે ચોરીને અંજામ આપ્યો અને શાહરુખના ઘરે કેવી રીતે પહોંચ્યો હતો તેની પણ વાત પોલીસને કરી હતી.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરો ઘૂસી ગયા હોવાની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આઠ તોલા સોનું, ચાંદી અને રોકડ મળીને કુલ 3.90 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હતા.
આ ઘટના 4 દિવસ પહેલા બની હતી. તે સમયે નિવૃત્ત સૈન્ય જવાન પોતાના પરિવાર સાથે લગ્નમાં ગયો હતો, જેનો લાભ લઈ બંને તસ્કર મિત્રોએ બંધ ઘરને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ છે. ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. વસાવાએ કેસની તપાસ શરૂ કરી અને અલગ અલગ ટીમ સાથે સીસીટીવી ફૂટેજ ઉપરાંત કાર્યવાહી કરી તસ્કરોની શોધ શરૂ કરી હતી. પોલીસે આ દરમિયાનમાં આમોડના 21 વર્ષીય રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા અને મોના પાર્કમાં જ રહેતા મિન્હાજ સિંધાની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આરોપી પાસેથી ₹2.74 લાખ રૂપિયાના ચોરાયેલા દાગીના જપ્ત કરી લીધા છે. આરોપીઓની પૂછપરછ વખતે પોલીસને કેટલીક ચોંકાવનારી માહિતી પણ મળી, જેમાં ખુલાસો થયો હતો કે, આરોપી રામ સ્વરૂપ કુશવાહા એકાદ વર્ષ પહેલા મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતના ત્રીજા માળે ઉચ્ચ સુરક્ષાને પણ છેતરીને પહોંચી ગયો હતો. જ્યારે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને તેને જોયો, ત્યારે તેમણે સ્થાનિક પોલીસને હવાલે કરી તેની સામે બાંદ્રા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ત્યારે તેણે પોતાને શાહરુખનો ચાહક હોવાનું કહ્યું હતું.
રામ સ્વરૂપ થાંભલા પર ચઢીને શાહરૂખના ઘરના ત્રીજા માળે પહોંચ્યો હતો. અહીં ભરૂચમાં પણ એ જ સ્ટાઈલમાં એક થાંભલાની મદદથી તે નિવૃત્ત આર્મી મેનના ઘરના ટેરેસ પર પહોંચ્યો અને ત્યાંથી બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હોવાની જાણકારી તેણે પોલીસને આપી છે.