અમદાવાદ: શહેરના બે વિસ્તારમાંથી માનવ અંગો (Human organs found in Ahmedabad) મળવાની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના (Ahmedabad Crime Branch) DCP ચૈતન્ય માંડલિકની સૂચનાના આધારે પોલીસ ઈન્સપેક્ટર એસ.જી. દેસાઈએ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પણ ક્રાઈમ બ્રાંચના કેટલાક અધિકારીઓ તપાસમાં જોડાયેલા છે. ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમની તપા, દરમિયાન પોલીસને એલિસબ્રિજ વિસ્તારમાંથી કલગી ચાર રસ્તા નજીક જ્યાંથી માનવ અંગો મળ્યા ત્યાંથી સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા.
આ પણ વાંચો: અચ્છે દિન ? સરકારનું 'મોકલો બાળકોને વિદ્યાલય', ભાજપના નેતાએ શરૂ કર્યું 'વેશ્યાલય'
ઘરમાં પુરાવાનો નાશ કર્યાની નિશાનીઓ પણ મળી : અમદાવાદના વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાંથી અલગ અલગ સમયે મળી આવેલા માનવ અંગોનો કેસ હવે હાઈપ્રોફાઈલ બની રહ્યો છે. પોલીસને CCTVમાં જે વ્યક્તિ માનવ અંગો ફેંકતા દેખાયો છે તે એક સમયનો ક્લાસ 2 સરકારી અધિકારી હતો. જે હાલ નિવૃત જીવન ગાળી રહ્યા છે. જો કે પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલા જ તે ફરાર થઈ ગયો છે. પોલીસને શકમંદ નિવૃત અધિકારીના ઘરમાંથી લોહીના ડાઘ પણ મળ્યા છે અને તપાસમાં ઘરને એસિડથી ધોઈ પુરાવાનો નાશ કર્યાની નિશાનીઓ પણ મળી છે.
CCTV ફુટેજમાં એક વૃદ્ધ થેલી ફેંકતા દેખાય : CCTV ફુટેજમાં એક વૃદ્ધ એક્ટિવા પર આવી થેલી ફેંકીને જતા દેખાય છે. પોલીસે એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતા તે ખાડિયાના એક વ્યક્તિ હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે પોલીસે ખાડિયાના તે વ્યક્તિની તપાસ કરી તો ખૂલાસો થયો કે તેણે થોડા સમય પહેલા જ વાહન લે-વેચ કરતા દલાલને એક્ટિવા વેચ્યુ હતુ. પોલીસે એક્ટિવાના મૂળ માલિકને સાથે રાખી વાહન લે-વેચ કરનારા દલાલને ત્યાં પહોંચી ત્યારે પોલીસને વધુ એક કડી હાથ લાગી હતી.
પોલીસ વૃદ્ધના ઘરે પહોંચે તે પહેલા જ ફરાર : વાહન દલાલે આ એક્ટિવા આંબાવાડીમાં રહેતા એક વૃદ્ધને વેચ્યુ હતુ. સીસીટીવી ફુટેજમાં વૃદ્ધ દેખાતા પોલીસ આરોપીની નજીક પહોંચી હોવાનુ માની રહી હતી. જો કે પોલીસ આ વૃદ્ધના આંબાવાડી સ્થિત સુનિતા સોસાયટીના ઘરે પહોંચી હતી. તે પહેલા જ વૃદ્ધ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘર નીચેથી સીસીટીવીમાં દેખાતુ એક્ટિવા પણ મળી આવ્યુ હતુ. પોલીસે વૃદ્ધના આસપડોશના લોકોની પૂછપરછ કરી બંધ મકાનનું તાળુ તોડી તપાસ કરી ત્યારે અંદરથી લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા. જેના પરથી હત્યા આ જ મકાનમાં થઈ હોવાની શંકા વધુ પ્રબળ બની છે.
આ પણ વાંચો: નોકરીના બહાને નવી દિલ્હી સ્ટેશન પર મહિલા સાથે કર્યો સામૂહિક દુષ્કર્મ
વૃદ્ધ મળ્યા બાદ કોણે કોની હત્યા કરી તેનો ખૂલાસો થશે : મકાનમાં રહેતા વૃદ્ધ પણ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે, ત્યારે પોલીસ હાલ વૃદ્ધની તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ ફરાર આરોપી એસ.ટી. વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિવૃત થયેલો છે. જો કે સમગ્ર ઘટનામાં વૃદ્ધ મળ્યા બાદ જ કોણે કોની હત્યા કરી તેનો ખૂલાસો થશે.