અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટે 1લી ઓગસ્ટ 2018ના ઠરાવની કેટલીક જોગવાઈને રદ જાહેર કરી છે, જ્યારે ઠરાવની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલ અરજી માન્ય રાખી છે. આ કેસની વહેલી સુનાવણી માટે GPSCએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટમાં GPSC તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકારના 1લી ઓગસ્ટ 2018ના ઠરાવને લીધે 3995 પોસ્ટના પરિણામ પેન્ડિંગ છે. રાજ્યમાં આશરે 1.66 લાખ ઉમેદવારો વિવિધ પોસ્ટ હેઠળ લેવાયેલી પરીક્ષાઓની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ ઠરાવને લગતા વિવાદનો અંત લાવવા GPSC દ્વારા અરજી કરવામાં આવી છે. આ વિવાદાસ્પદ ઠરાવને લીધે છેલ્લા 6 મહિનાથી GPSCની કોઈપણ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.
શું છે વિવાદ...
રાજ્ય સરકારના સામાન્ય વહવટી વિભાગના 1લી ઓગસ્ટ 2018ના ઠરાવને સૌ-પહેલા પોલીસ ભરતીમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો જેમાં ઠરાવમાં ફેરફાર કરી અનામત વર્ગની મહિલા ઉમેદવારોને પણ જનરલ કેટેગરીમાં તક આપવાની માગ કરી હતી. આ અરજીની સામે 254 બિન-અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ 2018ના વિવાદાસ્પદ ઠરાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાની અરજી કરો હતી. હાઈકોર્ટમાં હાલ બંને અરજી પેન્ડિંગ છે જેની વહેલી સુનાવણી માટે GPSC દ્વારા અરજી કરાઈ હતી.
પોલીસ ભરતીમાં ઠરાવને લીધે થયેલા વિવાદને ડામવા માટે ગૃહ ખાતા દ્વારા વધુ 2485 બેઠકો ઉમેરાઈ હતી જેથી કરીને કોઈપણ વર્ગને અન્યાય ન થાય. જોકે ઠરાવનો વિવાદ હજી થોડાક દિવસોમાં સ્પષ્ટ થશે. સામાન્ય રીતે પ્રિલીમ પરીક્ષાના પરિણામ બે મહિનામાં અને મેઈન પરીક્ષાના પરિણામ 4 મહિનામાં GPSC દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે.