અમદાવાદઃ રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ખરીદ-વેચાણના કેસમાં ATS દ્વારા ઝડપાયેલા આરોપીઓ પૈકી 4 આરોપીઓના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી મોહમદ શેખ, અશોલ ડોડીયા સહિતના આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
હાઇકોર્ટે 10,000થી 20,000 સુધીના પર્સનલ બોન્ડ પર આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે મંજૂર કરેલા જામીનમાં આરોપી મોહમદ શેખ, સુલતાન પઠાણ, કમલેશ બેરાના રેગ્યુલર જ્યારે અન્ય આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર રેકેટ કેસમાં ATSએ 15થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.
ATSએ બાતમીના આધારે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિત 5 જિલ્લાઓમાંથી 100થી વધુ ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા હતા. આ કેસમાં અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડીલ કરતા ગન હાઉસના માલિક તરુણ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત ATSએ ગેરકાયદેસર હથિયાર રેકેટમાં 54 ગેરકાયદેસર વિદેશી હથિયાર અને ભારતીય બનાવટના કારતુસ જપ્ત કર્યા હતા. આ હથિયારની કિંમત 80 લાખથી વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ઝડપાયેલા ગેરકાયદેસર હથિયારોમાં રાઇફલ, રિવોલ્વર, બાર બોર સિંગલ, ઓટોમેટિક પિસ્તોલ સહિતનો સમાન સામેલ છે. આ કેસમાં કેટલાક આરોપીઓને જામીન સેશન્સ કોર્ટમાંથી આપવામાં આવ્યા છે, જ્યારે કેટલાક આરોપીઓએ જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરવી પડી હતી.