અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે 11 મેથી 7 જૂન 2020 વચ્ચેનું ઉનાળુ વેકેશન રદ જાહેર કર્યું છે. હાઇકોર્ટે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, વેકેશન રદ કરવામાં આવે છે અને વર્તમાન સ્થિતિ પ્રમાણે અર્જન્ટ અને ફ્રેશ મેટરની સુનાવણી આ સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે.
વર્તમાન સમયે હાઇકોર્ટમાં એક સિંગલ બેન્ચ અને બીજી ડિવિઝન બેન્ચ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અર્જન્ટ કેસ અને જામીન અરજી પર સુનાવણી કરે છે. હાઈકોર્ટે આ સ્થિતિને આગામી આદેશ સુધી જાળવી રાખવાનો આદેશ કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અર્જન્ટ જામીન અરજીની સુનાવણી કરવામાં આવે છે, પરંતુ સકસેસીવ જામીન અરજીની પણ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરતાં હાઈકોર્ટે હંગામી ધોરણે સક્સેસીવ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ કર્યો છે. નોંધનીય છે કે, સક્સેસીવ જામીન અરજી એ જ જજ સમક્ષ કરવામાં આવી છે જેમણે અગાઉ અરજી ફગાવી હતી. જો કે, કોર્ટે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાં હંગામી ધોરણે છૂટ આપી છે.