- ગઇકાલે 28 એપ્રિલને બુધવારથી રજિસ્ટ્રેશન થયુ શરૂ
- 18 વર્ષથી મોટી ઉંમરના લોકોનું વેક્સિન માટે રજીસ્ટ્રેશન
- એક કલાકમાં જ 35 લાખથી વધુ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
- 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવશે
અમદાવાદઃ આગામી 1લી મેથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુવાનો માટે ખાસ રસીકરણ મહા અભિયાન શરૂ કરવાની જાહેરાત આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 18 વર્ષથી ઉપરનાં લોકો કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર 28 એપ્રિલ બુધવારથી કોરોના રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે. આયુષ મંત્રાલયે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલા યુવાનોને કોરોનાની રસી આપવાની શરતો રાખી છે. હાલ ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. ગઇકાલ 28 એપ્રિલને બુધવારે શરૂઆતના એક કલાકમાં જ 35 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે ગુરૂવારે સ્લોટ બુકિંગનો વિકલ્પ જેતે રજિસ્ટ્રેશન પોર્ટલ તથા એપ્લિકેશન પર જોવા મળી રહ્યો છે.
અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જે તે વેક્સિન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ જોવા મળ્યો
આજે ગુરૂવારે કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવેલા લોકોને અમદાવાદ કોર્પોરેશન વિસ્તરમાં જે તે વેક્સિન સેન્ટરની પસંદગી કરવાનો વિકલ્પ મળી રહ્યો છે. જેમાં અમદાવાદના શાહપુર UHC, બોડકદેવ UHC-1, વટવા ઇન્ડસ્ટ્રીયલ એસો હોસ્પિટલ, રામોલ UHC, રાણીપ, SVP હોસ્પિટલ-1, SVP હોસ્પિટલ-3 સહિતના સેન્ટરોનો વિકલ્પ હાલ આરોગ્ય સેતુ એપ્લિકેશન તથા કોવિન પોર્ટલ પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ કોરોના રસીકરણ: આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં જે તે વેક્સિન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ જોવા મળ્યો
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં લોકોને વેક્સિન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ કોવિન પોર્ટલ તથા આરોગ્ય સેતું એપ્લિકેશન પર જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના કોર્પોરેશન વિસ્તારના UPHC 24, UHC સેક્ટર-2, UPHC પાલજ, અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર 29, પી. પુનિત સિવિલ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ સેક્ટર-8 સહિતના વિસ્તારો કોવિન પોર્ટલ તથા આરોગ્ય સેતુ એપ્લિકેશન પર હાલ જોવા મળી રહ્યાં છે.
ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં જે તે વેક્સિન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ જોવા મળ્યો
ભાવનગર કોર્પોરેશન વિસ્તારની વાત કરવામાં આવે તો કુંભારવાડા UPHC, સર. ટી. હોસ્પિટલ, અખલોલ સેન્ટર, ભરત નગર UPHC, અખલોલ જકાતનાકા UPHC, કાળિયાબિડ UPHC, શિવાજી સર્કલ તરસામીયા UPHC, બોરતળાવ UPHC, આનંદ નગર UPHC સહિતના કોર્પોરેશન વિસ્તારના સેન્ટરોનો વિકલ્પ હાલ આરોગ્ય સેતુ એપ્લિકેશન તથા કોવિન પોર્ટલ પર જોવા મળી રહ્યો છે.
શરૂઆતના 1 કલાકમાં 35 લાખથી વધુ લોકોએ દેશમાં રજીસ્ટ્રેશન કરાવ્યું
દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. ત્યારે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, લોકોને એપોઈન્ટમેન્ટ પ્રાઈવેટ અથવા રાજ્ય સરકારનાં જે સેન્ટર્સમાં જગ્યા હશે એ આધારે મળશે, એટલે કે રાજ્યમાં 1 મેના રોજ વેક્સિનેશન માટે તૈયાર સેન્ટર્સના આધારે જ લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે. 18 વર્ષથી વધુના લોકોને કોરોનાની વેક્સીન આપવાના રજીસ્ટ્રેશનની શરૂઆત થતાની સાથે શરૂઆતના 1 કલાકમાં 35 લાખથી વધુ લોકોએ દેશમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ માટે વેક્સિન રજિસ્ટ્રેશન શરૂ
રસી એક નક્કર હથિયાર
દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોની તપાસ માટે રસી એક નક્કર હથિયાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોરોના રસી સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ માટે નોંધણી આજથી (28 એપ્રિલ) થી શરૂ થશે.
પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી અપાઇ હતી
16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણની શરૂઆત થઈ. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી,કામદારોને રસી આપવામાં આવી હતી. તે પછી, 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો, જેઓ રોગોથી પીડાય છે તેમને રસી આપવામાં આવી હતી.
રસી માટે ડોક્ટર પાસેથી બીમારીનું પ્રમાણપત્રક લેવું જરૂરી નથી
ચોથા તબક્કામાં, 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવી રહી છે, આ માટે, ડોક્ટર પાસેથી બીમારીનું પ્રમાણપત્રક લેવું જરૂરી નથી. હવે પાંચમા તબક્કામાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
શું રજિસ્ટ્રેશન વગર નહીં મળે કોરોનાની રસી?
કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોનાની રસી આપવામાં આવશે નહીં, Mygov ટ્વીટર એકાઉન્ટ પર સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ માટેનું રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી થશે અને રસીકરણ માટે સમય આપવામાં આવશે.
રસીકરણ કેન્દ્ર પર થશે રજિસ્ટ્રેશન?
45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે Walk in Registration એટલે કે રસીકરણ સેન્ટર પર સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા પહેલાની જેમ ચાલુ રહેશે. 18 વર્ષથી ઉપરના લોકોએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 18થી 45 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા વધારે છે. તેથી રસીકરણ કેન્દ્ર પર સંભવિત ભીડથી બચવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.
રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
PIBએ સરકાર વતી રજિસ્ટ્રેશન પ્રક્રિયાની જાણકારી આપી છે. કોરોના રસી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલાની જેમ જ છે. તમારે રસી માટે કોવિન પોર્ટલ (https://selfregifications.cowin.gov.in/) પર અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- https://selfregistration.cowin.gov.inપોર્ટલ પર રજિસ્ટ્રેશનનો વિકલ્પ હશે
- અહીં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને ગેટ OTP પર ક્લિક કરવું પડશે
- તમારા મોબાઈલ નંબર પર OTPનો મેસેજ આવશે
- આ મેસેજને તમારે 180 સેકન્ડની અંદર દાખલ કરવો પડશે
- પછી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે
- અહીં તમારે તમારી વિગત ભરવી પડશે
- ત્યારબાદ ઓળખ પત્ર માટે તમે આધાર સહિત પાનકાર્ડ, પાસપોર્ટ, ચૂંટણીકાર્ડના વિકલ્પને પસંદ કરી શકો છો
- ત્યારબાદ તમને નજીકના રસીકરણ કેન્દ્રને પસંદ કરવાનો વિકલ્પ આવશે
- કેન્દ્રને પસંદ કર્યા બાદ તમે તમારી સુવિધા અનુસાર ઉપલબ્ધ સ્લોટને પસંદ કરી શકો છો
- જ્યારે તમારો નંબર આવે ત્યારે જે તે રસીકરણ કેન્દ્ર પર જઈને રસી મૂકાવવાની રહેશે.