અમદાવાદઃ હાલના તબક્કે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસથી હાહાકાર થઈ જવા પામ્યો છે ત્યારે ભારતમાં પણ તેના 170 જેટલા કેસને લીધે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદની વિવિધ નીચલી કોર્ટમાં હેન્ડ સેનિટાઈઝર, ઉકાળો અને કોરોનાને લગતી માર્ગદર્શિકાઓ લગાડવામાં આવી છે.કોર્ટમાં પ્રવેશતા પહેલાં વકીલો પણ સેનેટાઈઝરનો ઉપયોગ કરતા નજરે પડ્યાં હતાં.
હાઈકોર્ટના આદેશ બાદ ઘી-કાંટા મેટ્રો કોર્ટ, અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ,ફેમિલી કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિત તમામ કોર્ટમાં કોરોના વધુ ન ફેલાય તેના માટે હેન્ડ સેનિટાઈઝર પ્રવેશ દ્વારે મુકવામાં આવ્યાં છે. હાઇકોર્ટમાં પણ દર 100 મીટરે હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. તાવ માપનાર ગન પણ મુકવામાં આવી છે જેનાથી કોર્ટમાં પ્રવેશતાં લોકોને કોરોનાના કોઈ લક્ષણ છે કે કેમ એ અંગે તપાસ કરવામાં આવી રહ્યાં છે. મેટ્રો કોર્ટ ખાતે ઉકાળો પણ વકીલોને આપવામાં આવી રહ્યો છે...
નોંધનીય છે કે કોરોના વધુ ન ફેલાય તેવા હેતુ સાથે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના આદેશથી બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હાઇકોર્ટ સમક્ષ તમામ કોર્ટમાં અરજન્ટ કેસોની જ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. 17મી માર્ચથી 31મી માર્ચ સુધીના સમયગાળા માટે તાત્કાલિક કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ અંગે વકીલ ઈમ્તિયાઝ ખાને જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશ બાદ કોર્ટના દરવાજા પર હેન્ડ સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે પરંતુ એ દરેક દરવાજા પર મૂકવા જોઈએ અને બીમારી વધુ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને વકીલો સિવાય અન્ય લોકોને કોર્ટ રૂમમાં પ્રવેશ આપવો જોઈએ નહી. દેશમાં બીમારી વધુ ન ફેલાય તેના માટે દરેક વકીલે પોતાની ફરજ અને જવાબદારી અદા કરવી જોઈએ.