નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યાના આક્ષેપ મુદ્દે પ્રેસ સંબોધી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, તેઓ સપનામાં પણ બાબા સાહેબનું અપમાન ન કરી શકે. સાથે જ વિપક્ષ પર પણ આકરા પ્રહારો કરતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ બંધારણ અને આંબેડકર વિરોધી પાર્ટી છે.
અમિત શાહના નિવેદન પર રાજકારણ ગરમાયું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મંગળવારે આપેલા ભાષણ બાદ સંસદમાં રાજકારણ ગરમાયું છે. અમિત શાહના ભાષણ બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે ગૃહમંત્રીએ પોતાના ભાષણમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે.
ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યાનો આક્ષેપ : અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન આપતા રોક્યા હતા. જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે કોંગ્રેસે ભ્રમ ફેલાવ્યો. રાજ્યસભામાં મારા નિવેદનને તોડી મરોડીને દર્શાવવામાં આવ્યુ હતુ. આ પહેલા તેમણે પીએમ મોદીના નિવેદનોને એડિટ કરીને સાર્વજનિક કર્યા હતા. જ્યારે ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે તેમના નિવેદનને AI નો ઉપયોગ કરીને સંપાદિત કર્યું હતુ.
LIVE: BJP National President Shri @JPNadda and HM Shri @AmitShah jointly address a press conference at party headquarters in New Delhi. #CongressInsultsAmbedkar https://t.co/dH8FsDucq7
— BJP (@BJP4India) December 18, 2024
'હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ન કરી શકુ' : અમિત શાહ
અમિત શાહે કહ્યું, 'હું એ પાર્ટીમાંથી છું જે ક્યારેય આંબેડકરનું અપમાન ન કરી શકે. પહેલા જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીએ હંમેશા આંબેડકરના સિદ્ધાંતોને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી ત્યારે અમે આંબેડકરના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ અનામતને મજબૂત કરવાનું કામ કર્યું છે.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે પોતાના નેતાઓને ભારત રત્ન આપ્યો. કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના આ દુષ્ટ પ્રયાસને સમર્થન ન આપવું જોઈએ. દુઃખ છે કે રાહુલ ગાંધીના દબાણમાં તેઓ પણ આમાં સામેલ થઈ ગયા.
મીડિયાને વિનંતી કરતા અમિત શાહે કહ્યું કે, તેઓ સમગ્ર નિવેદન જનતા સુધી પહોંચાડે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અમે હંમેશા આંબેડકર દ્વારા બતાવેલ માર્ગ પર ચાલ્યા છીએ. અમે સપનામાં પણ બાબા સાહેબનું અપમાન ન કરી શકીએ.
અમિત શાહે કોંગ્રેસ નેતાઓ પર માર્યા ટોણા : અમિત શાહે કહ્યું કે, જ્યાં સુધી ભારત રત્ન આપવાની વાત છે, કોંગ્રેસના નેતાઓએ ખુદ પોતાને ભારત રત્ન આપ્યો છે. 1955માં નહેરુજીએ ખુદને ભારતરત્ન આપ્યો, 1971 માં ઇન્દિરા ગાંધીએ પોતાને ભારત રત્ન આપ્યો છે. પરંતુ 1990માં બાબાસાહેબ ભારત રત્ન મળ્યો ત્યારે ભાજપના સમર્થન વાળી સરકાર હતી, કોંગ્રેસ સત્તામાં ન હતી. 1990 સુધી બાબાસાહેબને ભારત રત્ન ન મળે તે માટે કોંગ્રેસ સતત પ્રયાસ કરતી રહી. બાબા સાહેબની 100મી જન્મજયંતીની ઉજવણી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપ ઠોક્યો : અમિત શાહે કહ્યું કે, ગઈકાલથી કોંગ્રેસે ફરી એકવાર પોતાની જૂની પદ્ધતિ અપનાવીને, વાતને તોડી-મરોડીને અને સત્યને અસત્યનો વેશ આપીને સમાજમાં ભ્રમ ફેલાવવાનો દૂષિત પ્રયાસ કર્યો છે. સંસદમાં ચર્ચા દરમિયાન સાબિત થયું કે કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરનો કેવી રીતે વિરોધ કર્યો હતો. બાબા સાહેબની ગેરહાજરી પછી પણ કોંગ્રેસે કેવી રીતે તેમને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો.
શું હતુ અમિત શાહનું વિવાદિત નિવેદન ? તમને જણાવી દઈએ કે, બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે આંબેડકરને લઈને નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે, આજકાલ આંબેડકરને લઈને એક ફેશન બની ગઈ છે, વિરોધ પક્ષો અને તેમના નેતાઓ આંબેડકર-આંબેડકરના નારા લગાવે છે. જો ભગવાનનું નામ આટલી વાર લેવામાં આવ્યું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળતું. તેમના આ નિવેદનની કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ ટીકા કરી છે.