છત્તીસગઢ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરીથી હુમલાના સંબંધમાં છત્તીસગઢના દુર્ગમાંથી RPF દ્વારા એક શંકાસ્પદની આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. આરોપી યુવક જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો તેને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. આકાશ કનોજિયા તરીકે ઓળખાયેલ શંકાસ્પદ વ્યક્તિની તસવીર પણ RPFએ શેર કરી છે.
મુંબઈ પોલીસની માહિતીના આધારે પકડાયો શંકાસ્પદ
બિલાસપુરના RPF SECR ઝોનના IG મુનાવર ખુર્શીદના જણાવ્યા મુજબ, RPF રાયપુર ડિવિઝનને મુંબઈ પોલીસ પાસેથી શંકાસ્પદ વ્યક્તિ ટ્રેનમાંથી મુસાફરી કરી હોવાની માહિતી મળી હતી. તેમણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, "રાયપુર RPF ડિવિઝનને મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળી હતી કે સૈફ અલી ખાન પર હુમલાની ઘટનામાં સંડોવાલો શંકાસ્પદ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. શંકાસ્પદનું નામ આકાશ કનોજિયા છે અને ઉંમર 32-33 વર્ષની છે તેને દુર્ગમાંથી ડિટેઈન કરી લેવાયો છે. તેને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે, જે આગળની તપાસ કરશે."
જનરલ કોચમાંથી RPFએ આરોપીને પકડ્યો
દુર્ગમાં RPFના ઈન્ચાર્જ સંજય સિંહાએ વધુમાં વિગત આપતા જણાવ્યું કે, શંકાસ્પદને પકડવામાં આવ્યા છે RPF દ્વારા તેની ઓળખની પુષ્ટિ કરવા માટે મુંબઈ પોલીસને વીડિયો કોલ કરવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું કે, અમને મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળી હતી કે શંકાસ્પદ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. તેમણે તેનો ફોટો અને લોકેશન પણ શેર કર્યું હતું. જેના આધારે અમે જનરલ કોચમાં તપાસ કરી અને તેને શોધી કાઢ્યો. મુંબઈ પોલીસનો વીડિયો કોલથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેની ઓળખની પુષ્ટિ થઈ છે. તેને ડિટેઈન કરી લેવામાં આવ્યો છે. શંકાસ્પદ આરોપીની વધુ તપાસ મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવશે.
સૈફ પર ઘરમાં ઘુસીને છરીથી હુમલો કરાયો હતો
નોંધનીય છે કે, સૈફ અલી ખાન પર તેના ઘરમાં ગુરુવારે વહેલી સવારે ચોરીના ઈરાદે ઘુસેલા એક શખ્સે છરીથી હુમલો કર્યો હતો. એક્ટરના શરીરમાં 6 જગ્યાએ છરીના ઘા વાગ્યા હતા. જે બાદ તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો અને તેનું ઓપરેશન કરાયું હતું. ડોક્ટરે શરીરમાંથી 2.5 ઈંચની છરીની બ્લેડ પણ કાઢી હતી અને હાલમાં તેની તબિયત સ્થિર છે.
આ પણ વાંચો: