કાંગડાઃ હિમાચલ પ્રદેશમાં ધર્મશાળામાં ફરવા આવેલી એક ગુજરાતી પ્રવાસી યુવતી પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. વાસ્તવમાં મહિલા પ્રવાસી અને પેરાગ્લાઈડિંગ પાઈલટ બંને ટેક ઓફ પોઈન્ટ પરથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
પેરાગ્લાઈડિંગ કરતી વખતે બની ઘટના
મળતી માહિતી મુજબ અમદાવાદની એક પ્રવાસી યુવતી ધર્મશાળા ફરવા માટે આવી હતી. આ દરમિયાન, ધર્મશાળાના ઈન્દ્રુ નાગમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે, પેરાગ્લાઈડિંગ પાઈલટ સાથે એક મહિલા ટેક ઓફ પોઈન્ટ પરથી પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે, પેરાગ્લાઈડિંગ પાઈલટનો આબાદ બચાવ થયો છે.
પેરાગ્લાઈડિંગ પાઈલટને સામાન્ય ઈજા
આ ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટને સામાન્ય ઈજા થઈ છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ મહિલા પ્રવાસીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ યુવતીનું રસ્તામાં મોત નીપજ્યું હતું. આ ઘટના આજે શનિવારની સાંજે 5.45 કલાકે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રવાસી યુવતી તેના પરિવાર સાથે ધર્મશાળા ફરવા આવી હતી.
મૃતક યુવતી પરિવાર સાથે આવી હતી ફરવા
મૃતક પ્રવાસી યુવતીની ઓળખ ભાવસાર ખુશી તરીકે થઈ છે. તેની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવાઈ રહ્યું છે. ખુશી અમદાવાદના સહજાનંદ એવન્યુ, ટોરેન્ટ પાવર લિમિટેડ નારણપુરામાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન પેરાગ્લાઈડિંગ પાઈલટ મુનીશ કુમાર (29 વર્ષ) અકસ્માતમાં ઘાયલ થયા હતા. પાયલોટ ધર્મશાળાના રહેવાસી હોવાનું કહેવાય છે. પાયલોટને ડો. રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ, ટાંડામાં ખસેડવામાં આવ્યો છે.
ફરવાની 'ખુશી' માતમમાં ફેરવાઈ
ધર્મશાળા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. યુવતીનું પોસ્ટમોર્ટમ ધર્મશાળામાં કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. ખુશીના મોતથી પરિવાર પર દુ:ખનું આભ ફાટી પડ્યું છે અને ફરવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.
ASP ડિસ્ટ્રિક્ટ કાંગડા વીર બહાદુરે કહ્યું, "ધર્મશાળાના ઈન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઈટ પર અકસ્માત થયો છે. ટેકઓફ કરતી વખતે પેરાગ્લાઈડિંગ પાઈલટ અને એક યુવતીનો અકસ્માત થયો અને બંને ખીણમાં ખાબક્યા . આ દુર્ઘટનામાં 19 વર્ષીય એક યુવતી ઘાયલ થઈ હતી જેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણની વધુ તપાસ કરવામાં આવશે.