જુનાગઢ: જુનાગઢ પોલીસે આજે (બુધવારે) નવ જેટલા અપરાધીઓ વિરુદ્ધ સંગઠિત બનીને ટોળકી બનાવી અપરાધ આચરવાના કિસ્સામાં ગુજસીટોક કાયદા અન્વયે ધરપકડ કરી છે. પોલીસે જુનાગઢના નવ ઈસમો વિરુદ્ધ સંગઠિત અપરાધ સામે કાયદાનો ડંડો ઉગામ્યો છે. હાલ પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે. જેમાંથી બે આરોપી અગાઉથી જ કોઈ ગુનામાં જેલમાં હવા ખાઈ રહ્યા છે. આ મામલામાં અન્ય બે આરોપી ફરાર જાહેર કરાયા છે, જેને પકડી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે
જુનાગઢ પોલીસે નવ ઇસમો વિરુદ્ધ લાગુ કર્યો ગુજસીટોક
જુનાગઢ પોલીસે બુધવારે એ ડિવિઝન વિસ્તારના નવ આરોપીઓ વિરુદ્ધ સંગઠિત બનીને અપરાધ કરવાના આરોપો અંતર્ગત અટકાયત કરી હતી. પોલીસ પકડમાં રહેલા તમામ આરોપીઓ વિરુદ્ધ છેલ્લાં એક દશકમાં 153 કરતાં વધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જે પૈકીના બે આરોપીઓ આજે અન્ય ગુનામાં જેલમાં હવા ખાઈ રહ્યા છે, ત્યારે બાકી રહેતા સાત આરોપી પૈકી પાંચ આરોપીને જુનાગઢ પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બે આરોપી કે જે સંગઠિત બનીને અપરાધ કરવાની ગેંગના સૂત્રધાર માનવામાં આવે છે તે બે વ્યક્તિ પોલીસ પકડથી દૂર રહેતા પોલીસે આ બંને આરોપીઓને પકડી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.
છેલ્લા ચાર મહિનામાં 29 આરોપી વિરુદ્ધ ઞુજસીટોક
જુનાગઢ પોલીસ દ્વારા જ્યારથી ગુજસીટોકનો નવો કાયદો અમલમાં આવ્યો છે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 29 આરોપી વિરુદ્ધ નવા કાયદા તળે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે, જે નવ આરોપી વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે, તેમના પર છેલ્લાં એક દશક દરમિયાન હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, લૂંટ રાયોટીંગ, ખંડણી, અપહરણ, મારા-મારી, ધાક ધમકી, હથિયાર ધારા, જુગાર અને દારૂ જેવા અપરાધ કરવાના કિસ્સામાં અલગ-અલગ જગ્યાએ 153 જેટલી એફ.આઇ.આર નોંધવામાં આવી છે. જે પૈકી સંગઠિત બનીને ગુન્હા આચરવાના 21 જેટલા કિસ્સામાં આ ગેંગની સંડોવણી સામે આવતા પોલીસે નવ આરોપી વિરુદ્ધ અટકાયતી પગલા ભરવાની શરૂઆત કરી છે.
પકડાયેલા તમામ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
જુનાગઢ પોલીસે ગુજસીટોક કાયદા અન્વયે નવ આરોપીની અટકાયત કરી છે, જે પૈકીના નાઝીમ અને અમીન હાલ અન્ય ગુના હેઠળ જેલમાં છે, તો સલમાન બલોચ, અજીત નારેજા, આમદ નારેજા, જુસબ વિશળ અને સાજીદ વિશળ પોલીસ પકડમાં છે. સલમાન અને અસલમ હાલ પોલીસ ચોપડે ફરાર આરોપી નોંધવામાં આવ્યા છે. જે આ ગેંગના મુખ્ય સૂત્રધાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
પોલીસે જે નવ આરોપી વિરુદ્ધ અટકાયતી પગલા ભરેલા છે, તેમાં સલમાન સામે 25, નિઝામ સામે 09, નાઝીમ સામે 21, અજીત સામે 22, આમદ સામે 07, અમીન સામે 09, અસલમ સામે 16, જુસબ સામે 22 અને સાજીદ સામે 24 જેટલી પોલીસ ફરિયાદ અત્યાર સુધીમાં નોંધવામાં આવી છે.