- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર અપાયું માસ પ્રમોશન
- 8.37 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
- માસ પ્રમોશનથી સરકાર, સ્કૂલો અને કૉલેજો સામે અનેક પ્રશ્નોધોરણ 10માં બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી અનેક પ્રશ્નો સર્જાશે
અમદાવાદઃ ગુજરાત સરકારે ધોરણ 10 બોર્ડની પરીક્ષા રદ કરી અને બોર્ડમાં પ્રથમવાર માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા છે, પરંતુ આ માસ પ્રમોશનથી ગુજરાત સરકાર, શિક્ષણ બોર્ડ અને શાળાઓ માટે નવા સત્રમાં નવા પ્રશ્નો સર્જાશે. તેના માટે ગુજરાત સરકારે શિક્ષણ બોર્ડ સાથે બેસીને નવી રૂપરેખા ઘડવી પડશે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની આગાહી
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ભયાનક રહી છે. દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. એક તબક્કે 14 હજાર કરતાં વધુ કેસ આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાના કેસ વધીને આવતાં રાજ્યની હોસ્પિટલો ફુલ હતી, બેડ મળતા નથી. 108માં 28 કલાકનું વેઈટિંગ હતું. ઓકિસજનની અછત સર્જાઈ હતી. મૃત્યુઆંક વધ્યો તો સામે રિકવરી રેટ ઘટ્યો હતો. આમ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક રહી છે, જેને પગલે ગુજરાત સરકારને ધોરણ 10 બોર્ડની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો ક મને નિર્ણય લેવો પડ્યો છે. સરકાર છેક છેલ્લી ઘડી સુધી પરીક્ષા લેવાના મુડમાં જ હતી, પરંતુ રાજ્યની પરિસ્થિતિને જોતા તેમજ દેશના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોઓ ત્રીજી લહેરમાં બાળકો કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેથી સરકારે કોર કમિટીની બેઠકમાં માસ પ્રમોશનનો નિર્ણય લીધો હતો.
![માસ પ્રમોશનથી સર્જાનારા પ્રશ્નો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11759169_a.jpg)
આ પણ વાંચોઃ સરકારના માસ પ્રમોશનના નિર્ણય અંગે આણંદના વાલીઓની પ્રતિક્રિયા
માત્ર રેગ્યુલર વિદ્યાર્થીને જ મળશે માસ પ્રમોશન
ગુજરાત રાજ્યની 12,76 સરકારી શાળાઓ, 5,325 ગ્રાન્ટેડ શાળાઓ, 4,341 ખાનગી શાળાઓ અને 45 અન્ય સ્કૂલો મળીને કુલ 10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે. ચાલુ વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા માટે 8.37 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હતા. એક્સટર્નલ તરીકે 50,000 વિદ્યાર્થીઓ છે. જો કે, સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યું છે. ખાનગી અને રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી જ પડશે. 3.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ રિપીટીર છે.
શિક્ષણ બોર્ડે 14 કરોડ ફી પરત કરવી પડશે
અતિ મહત્વની વાત એ છે કે, ગુજરાત રાજ્યનું શિક્ષણ બોર્ડ છેલ્લા 50 વર્ષ કરતાં વધુ વર્ષથી બોર્ડની પરીક્ષા લે છે, કયારેય માસ પ્રમોશન અપાયું નથી. કોઈપણ સ્થિતિમાં પણ તબક્કાવાર પરીક્ષા લેવાઈ છે. હવે ધોરણ 10માં પરીક્ષા રદ થવાથી શિક્ષણ બોર્ડે 14 કરોડ જેટલી ફી પરત કરવી પડશે અને બોર્ડ કરેલ પ્રશ્નપત્રો અને સ્ટેશનરી ખર્ચ વધારાનો ખર્ચ રહેશે, જેનું નુકસાન જશે. બીજી તરફ તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થશે. સામે નબળા વિદ્યાર્થીઓ પાસ થઈ જશે. તમામ વિદ્યાર્થીઓ એકસમાન થઈ ગયા છે. મેરીટ કઈ રીતે ગણવું તે સ્કૂલો માટે વધુ મશ્કેલ બની જશે.