આ સમગ્ર મામલે અરજદાર સુરેશભાઇ સિંગલે એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને રજૂઆત કરી છે કે, આ બંને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને આ ચૂંટણી લડવાથી રોકવા જોઇએ. તેટલું જ નહીં હાલમાં આ બંન્ને વિરૂદ્ધ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં સ્પીકર તેમના વિશે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે, ત્યારે જ્યાં સુધી વિધાનસભાના સ્પીકરે બંનેને યોગ્ય કે, અયોગ્ય ઠેરવવાના મુદ્દે કોઇ નિર્ણય ન કરે, ત્યાં સુધી તેમને ચૂંટણી લડવાની કોઇ સત્તા નથી.
ઉપરાંત ચૂંટણી પંચે પણ પહેલા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી અને ત્યારબાદ કોઇ કારણોસર તેમણે રાધનપુર અને બાયડની ચૂંટણી અંગેનું પરિપત્ર કર્યું છે. જે પણ શંકા ઉપજાવતી બાબત છે.
શનિવારે અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે આક્ષેપ કર્યો હતો કે, કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને આ કેસની અરજી પરત ખેંચવા, સુપ્રીમ કોર્ટમાં ન જવા અને અલ્પેશ ઠાકોરની સીડી પરત આપી દેવા માટે 11 કરોડની ઓફર કરી હતી. કારણ કે, 21મી ઓક્ટોબરના રોજ યોજનારી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાથી રોકવાની દાદ માગવામાં આવી છે.
અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યાં હતા, ત્યારે અધ-વચ્ચે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અજાણ્યા શખ્સોની આ ચાલ કામયાબ ન થતાં તે શખ્સોએ તેમને સુપ્રીમ કોર્ટમાં પીટીશન ન કરવા અને અલ્પેશની ત્રણ સીડી જે અરજદાર પાસે છે તે પાછી આપી દેવા માટે 11 કરોડની પ્રલોભન લાલચ આપી હતી.