નરોડા ખાતે આવેલી ડી- કોલોનીના બન્ને બ્લોકમાં રહેનારા 64 પરિવારો વતી હાઇકોર્ટમાં દાખલ રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્પોરેશન દ્વારા કોઈપણ વૈકલ્પિક રહેઠાણ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વગર તેમના બાંધકામ તોડવા માટેની નોટિસ આપવામાં આવી હતી. સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી RTI પ્રમાણે કોર્પોરેશન દ્વારા બ્લોક નંબર 11 અને 12 જર્જરિત સ્થિતિમાં હોવાથી તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેનો ક્વોલિટી સ્ટ્રક્ચરલ રિપોર્ટ કાઢવામાં આવ્યો નથી તથા તેના વગર બાંધકામ તોડવાની કામગીરી 3 અને 4 જાન્યુઆરીના રોજ પોલીસ પ્રોટેક્શન સાથે આરંભવાની હતી. જો કે, ગુજરાત હાઇકોર્ટે તેના પર વચગાળાનો સ્ટે આપી દીધો છે.
અરજદારોએ હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ડી-કોલોનીમાં આવેલા બ્લોક 13ના રહીશોના મકાન ખાલી કરાવી તેમને સીલ મારી દેવામાં આવ્યા છે, પરંતુ આજ દિવસ સુધી બાંધકામ તોડવામાં આવ્યું નથી. સરકાર હાઉસિંગ સ્કીમના રીડેવલપમેન્ટ માટે આ કરતી હોવાનું સામે આવ્યું છે.