વર્ષ 2016માં સ્પેશિયલ કોર્ટે ગુલબર્ગ સોસાયટી હત્યામાં કુલ 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જે પૈકી કૈલાશ ધોબી, દિનેશ પ્રભુદાસ શર્મા, રાજુ તિવારી ઉર્ફે મામો કાણિયો, લખનસિંહ ચુડાસમા ઉર્ફે લાખો ભરિયો, નારાયણ ટાંક ઉર્ફે નારણ કોઢીયો સહિત પાંચ આરોપીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. સ્પેશિયલ કોર્ટેના આજીવન કેદની સજાના આદેશ સામે કેટલાક આરોપી દ્વારા અપીલ અરજી દાખલ કરવામાં આવી છે, જેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે.
મોટાભાગના કિસ્સામાં આરોપીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમણે 9 વર્ષથી વધુ સમય જેલની સજા કાપી છે અને હાઈકોર્ટમાં અપીલ અરજીની સુનાવણી હાલના તબક્કે થાય તેવી શક્યતા નહીવત હોવાથી જામીન આપવામાં આવે. હાઈકોર્ટે આજીવન કેદની સજા ભોગવનાર કુલ 11 આરોપી પૈકી 5 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય એક આરોપી ભરત રાજપુતની જામીન અરજી હાલ પેન્ડિંગ છે.
ગુલબર્ગ સોસાયટી હત્યામાં આજીવન કેદની સજા ભોગવનાર 11 આરોપી
1. કૈલાશ લાલચંદ ધોબી
2. યોગેન્દ્રસિંહ ઉર્ફે લાલુસિંહ શેખાવત
3. જયેશકુમાર ઉર્ફે ગબ્બર જિંગર
4. કૃષ્ણકુમાર ઉર્ફે કૃષ્ણા મુન્નાલાલ
5. જયેશ રામજી પરમાર
6. રાજુ તિવારી ઉર્ફે મામો કાણિયો
7. નારાયણ ટાંક ઉર્ફે નારણ કોઢીયો
8. લાખનસિંહ ચુડાસમા ઉર્ફે લાખો ભુરિયો
9. ભરત ઉર્ફે ભરત તૈલી શીતલપ્રસાદ
10. ભરત લક્ષમણસિંહ રાજપુત
11. દિનેશ પ્રભુદાસ શર્મા
ગુલબર્ગ હત્યાકાંડમાં નાના-મોટા ગુનામાં સંડોવાયેલા માંગીલાલ જૈન, સુરેન્દ્ર ચૌહાણ, સંદીપ મહેરા, સહિત 12 જેટલા આરોપીને સ્પેશિયલ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે આ કેસના અન્ય એક આરોપીને 10 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી હતી. ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં પોલીસ દ્વારા કુલ 66 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જે પૈકી વર્ષ 2016માં સ્પેશિયલ કોર્ટના જજ. પી.બી. દેસાઈએ 36 આરોપીને નિર્દોષ છોડી મુકયા હતા. જ્યારે 24 આરોપીને દોષિત માનવામા આવ્યા હતા. દોષિત મનાયેલા 24 આરોપી પૈકી 11 આરોપીને હત્યાના ગુનામાં સંડોવાયેલા હોવાના ગુના હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
શું હતો ગુલબર્ગ હત્યાકાંડ?
28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની ગુલબર્ગ સોસાયટીમાં હત્યાકાંડ થયો હતો. પૂર્વ કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરી સહિત 69 આરોપીઓએ કરપીણ હત્યા કરી હતી.
અમદાવાદથી આકિબ છીપાનો વિશેષ અહેવાલ