અમદાવાદમાં 4 નવજાત શિશુ મળી આવ્યા, માવતર શું આટલી હદે નિષ્ઠુર બની શકે? - gujarat news
અમદાવાદમાં અલગ અલગ જગ્યાએથી 4 નવજાત શિશુ મળવાની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એલિસબ્રિજ, શાહીબાગ અને વેજલપુર વિસ્તારમાં ચાર નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યા છે. આ અંગે પોલીસ પણ દોડતી થઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
- મા, રડવું છે પણ રડાતું નથી, તું કેવી રીતે આટલી નિષ્ઠુર બની?
- અમદાવાદમાં 4 નવજાત શિશુ મળી આવ્યા
- ત્રણ જીવિત તો એક મૃત હાલતમાં મળી આવી
અમદાવાદ: વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા અને વેલેન્ટાઈન ડેના દિવસે જ શહેરમાં ચકચારી ઘટનાઓ બની છે. એકતરફ 'મા તે મા, બીજા બધા વગડાના વા' જેવી કહેવતો સાંભળવા મળે છે, તો બીજી તરફ ચાર જેટલી ઘટનાઓમાં જનેતા જ નિષ્ઠુર બની છે. શાહીબાગ વિસ્તારમાંથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. સી ટીમ ફરજ પર હતી ત્યારે જ આંખની હૉસ્પિટલ પાસે કચરાપેટી પાસે લોકો ટોળે વળીને ઊભા હતા. ટીમે જઈને જોયું તો એક દુપટ્ટામાં બાંધેલી હાલતમાં બાળકી રડતી હતી. પોલીસે તપાસ કરી તો બાળકીની નાભિના ઉપરના ભાગે નાળને નાડાછડી બાંધેલી હતી, તો એલિસબ્રિજના કોચરબ આશ્રમ પાસે કચરો ભરેલી ગાડીમાંથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. વેજલપુરમાં ફતેહવાડીમાં રોડ પર રડતી બાળકી મળી આવી છે અને અન્ય કિસ્સામાં ગાડી નીચેથી બાળકી મળી આવી હતી. સમગ્ર મામલે વેજલપુર, એલિસબ્રિજ અને શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે હમણાંથી બાળક ત્યજી દેવાના કિસ્સામાં વધારો થયો છે. આ પહેલા ગોમતીપુર, મણીનગર જેવા વિસ્તારોમાં પણ આવી ઘટના બની હતી. જેમાં માત્ર મણીનગરના બે કેસ ઉકેલાયા છે.
એલિસબ્રિજ, શાહીબાગ અને વેજલપુર વિસ્તારમાંથી મળી આવ્યા શિશુ
અમદાવાદ શહેરના ફતેહવાડી અને વેજલપુરમાં બે જીવિત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. વેજલપુર શ્યામ સુંદર સોસાયટી પાસે એક બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. પાર્ક કરેલી બલેનો ગાડી નીચેથી આ બાળકી મળી હતી. જ્યારે બીજો બનાવ ફતેહવાડી કેનાલ વિસ્તારમાં સામે આવ્યો હતો, જ્યાં પણ નવજાત શિશુ મળી આવ્યુ હતું. શાહીબાગ વિસ્તારમાં પણ એક તરછોડીને ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ક્યાંક દુપટ્ટામાં બાંધેલી હાલતમાં તો ક્યાંક કચરાપેટીમાં મળી આવ્યા શિશુ
શાહીબાગ વિસ્તારમાં સી ટીમ ફરજ પર હતી, ત્યારે આંખની હોસ્પિટલ પાસે કચરાપેટી પાસે લોકો ટોળા વળીને ઉભા હતા. ટીમે ચેક કર્યુ તો એક દુપટ્ટામાં બાંધેલી હાલતમાં બાળકી રડતી મળી આવી હતી. બીજી તરફ એલિસબ્રિજ વિસ્તારના કોચરબ આશ્રમ પાસે ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીમાં વ્હાઇટ કલરની થેલીમાંથી મૃત હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. ડ્રાઇવરે તેના અધિકારીને જાણ કર્યા બાદ પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, આ અંગે ગુનો નોંધી બાળકીને ત્યજી દેનારાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસમાં બે જીવિત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યા હતા. ફતેહવાડીથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાના રોડ પર સરફુદ્દીન મન્સુરી નામના વ્યક્તિ પસાર થતા હતા. આ દરમિયાન જાંબલી રંગના સ્વેટરમાં શ્વાન કંઇક લઇને જઇ રહ્યુ હતું. તેમણે શંકા જતા તેમણે શ્વાનના મોઢામાંથી સ્વેટર લઇ લીધુ હતું અને તપાસ કરતા અંદરથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. ઘરે જઇને આ બાળકીને સાફ કરીને તેમના પત્નીએ બાળકીને દૂધ પીવડાવ્યુ હતું અને પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન વેજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.