ભરુચઃ દક્ષિણ આફ્રિકાના મોઝમ્બિકમાં રાજનૈતિક અનિશ્ચિતતાઓ ચાલી રહી છે જેને પગલે લોકોના ગુસ્સાથી મોઝામ્બિક સળગી રહ્યું છે. ઘણા સ્થાનો પર લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ બની રહી છે જેની વચ્ચે ગુજરાતી સહિત ઘણા ભારતીય વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં આવેલા કાવી અને સિતપોણ સહિતના ગામોના વેપારીઓ મોઝામ્બિકમાં વેપાર માટે લાંબા સમયથી સ્થાયી થયા છે. દ. આફ્રિકાના આ દેશની અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે ગુજરાતી અને ભારતીય વેપારીઓ મુશ્કેલીમાં આવી પહોંચ્યા છે. ભરૂચમાં રહેતા આવા જ એક વ્યક્તિ પોતાના પરિવારજનની ચિંતામાં છે, તેમણે પોતાના સ્વજનની મદદ માટે વીડિયો માધ્યમથી અવાજ ઉઠાવ્યો છે. સિતપોણમાં રહેતા સ્વજનો અનુસાર મોઝમ્બિકમાં વેપાર કરતા ભરૂચના વેપારીઓને લૂંટફાટમાં કરોડોનું નુકશાન થયું છે. જેઓ રાતાપાણીએ રડી રહ્યા છે.
આ ગામની વાત કરતા અહીંના લોકોનું કહેવું છે કે આ ગામથી જ લગભગ દસેક લોકો મોઝામ્બિકમાં સ્થાયી થયેલા છે. અહીં રહેતા અને મોઝામ્બિકમાં ફસાયેલા મહેબૂબ માટલીવાલાના પરિવારજન દ્વારા વીડિયો માધ્યમથી પોતાના સ્વજનની મદદ સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ વીડિયોમાં મહેબૂબભાઈ મૌલવી કે જે મોઝામ્બિકમાં ફસાયેલા કેટલાક વેપારીઓના સ્વજન છે તેમણે પોતાના સ્વજનોની મદદ માટે કહ્યું કે, ત્યાં હાલત ઘણી ખારબ છે. ત્યાં ઘણા લૂંટાયા છે, જાન, માલ અને ઈજ્જતને જોખમ છે. હું મારા હિન્દુ અને મુ્સ્લિમ ભાઈઓને વિનતી કરું છું કે, ત્યાં આફ્રિકામાં જે સમસ્યા થઈ છે તેને લઈ ઘણા લૂંટાયા છે, ઘણા ટેન્સનમાં છે. દુઆ કરો, પ્રાથના કરો. જેમના સરકાર સાથે નજીકના સંબંધ છે તેઓ સરકાર સુધી મેસેજ પહોંચાડીને તેમને ઈમર્જન્સીમાં તેમની મદદ માટે પ્રયત્નો કરો.