અમદાવાદ: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અનેક વખથ દારૂ પકડાવાના સમાચાર આવે છે. અમદાવાદમાં પણ સ્થાનિક પોલીસ અને PCB અવાર-નવાર કેસ કરી દારૂના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડે છે, ત્યારે વસ્ત્રાપુરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, આ દારૂનો જથ્થો તેમને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે જ આપ્યો હતો. દારૂની હેરાફેરી કરાવનારો સોલાનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ હાલ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, મેમનગર સ્ટર્લિંગ હોસ્પિટલની પાસે શકંબા ટાવર આગળથી એક મારૂતી વિટારા બ્રેઝા કારમાં દારૂ ભરી કેટલાક લોકો નીકળવાના છે. જેથી વોચ ગોઠવી પોલીસે પ્લાસ્ટિકની બ્લૂ કલરની થેલીઓમાં ભરેલો 236 બોટલનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, કાર સહિતનો 5.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે કિશન પંચાલ, સચીન પંચાલ અને ગોપાલ કાંતીલાલ દંતાણી નામના 3 આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ પૂછપરછ કરતા સામે આવ્યું કે, આ જથ્થો તેમને ભારતસિંહ ઝાલૈયા નામના સસ્પેન્ડ કોન્સ્ટેબલે ચાંદલોડિયામાંથી કારમાં ભરીને આપ્યો હતો અને મેમનગરમાં ઉતારવાનો હતો. ભરતસિંહ સોલા પોલીસ સ્ટેશનમાંથી અગાઉ સસ્પેન્ડ થયો હતો. આ મામલે પોલીસે ભરતસિંહની શોધખોળ શરૂ કરી છે.