ચાલુ વર્ષે વરસાદે નવરાત્રીમાં વિઘ્ન નાખ્યું છે તો, અમદાવાદ શહેર પોલીસ પણ લોકોને નિયમ પાલન કરાવીને જ ઝંપશે તેવું લાગી રહ્યું છે. ગરબા રમતી વખતે ખેલૈયાએ ટ્રાફિકના નિયમોનું પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે. નવરાત્રી દરમિયાન 500થી વધુ ટ્રાફિક પોલીસના જવાનો, 200થી વધુ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ બંદોબસ્તમાં રહેશે. ટ્રાફિક પોલીસની 55 જેટલી ટોઈંગ ક્રેન પણ પાર્ટી પ્લોટ, ક્લબો અને શહેરમાં કાર્યરત રહેશે જે અડચણરૂપ વાહનોને દૂર કરશે. આ સાથે જ હંમેશા ભરચક રહેનાર એસ.જી.હાઈવે પર અકસ્માત જેવી ઘટના ન બને તે માટે રાત્રીના ત્રણ વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ વખતે 50 જેટલા આયોજકોની અરજી પોલીસ પાસે આવી હતી જેમાંથી 43 અરજીઓને યોગ્ય માનીને પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. ટ્રાફિક વિભાગના ACP આકાશ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટ ધારકો અને ક્લબ હાઉસના માલિકોને પોલીસ વિભાગ તરફથી નિયમો સમજાવવામાં આવ્યા છે અને તે નિયમનો ચુસ્તપણે પાલન કરવા માટે સૂચના પણ અપાઈ છે. જો પાર્ટી પ્લોટ તથા ક્લબ માલિકો દ્વારા સહેજ પણ ચૂક રાખવામાં આવશે તો, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.