અમદાવાદઃ દેશ અને સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે અમદાવાદના રિક્ષા ચાલકોની હાલત ખૂબ જ કફોડી બની છે. રાજ્યમાં લોકડાઉન બાદ અનલોક થયા હોવા છતાં પણ હજી રિક્ષા ચાલકોને જોઈએ તેટલી કમાણી ન થતા આજે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. દિવસે કમાઈ પોતાનું ગુજરાન ચલાવનારા રિક્ષા ચાલકોને હવે સરકાર એક જ આશરો છે, ત્યારે સરકાર તેમને સહાય કરે તેવી રીક્ષા ચાલકોની માગ કરી છે.
કોરોના વાઇરસના કારણે દેશ અને રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેને લઇ મધ્યમ અને ગરીબ વર્ગને ખુબ જ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેમાં દિવસનું કમાઈને ગુજરાન ચલાવનારા રિક્ષાચાલકોની ખૂબ જ કફોડી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ ઈટીવી ભારતે અમદાવાદના કેટલાક રિક્ષાચાલકોની મૂલાકાત કરી હતી. ત્યારબાદ લોકડાઉનમાં રિક્ષાચાલકો પોતાનું ગુજરાત કેવી રીતે ચલાવતા હતા અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવા મજબુર બન્યા હતા તેનો ચિતાર મેળવ્યો હતો.
રિક્ષા ચાલકોના જણાવ્યાં પ્રમાણે ત્રણ મહિનાના લોકડાઉન દરમિયાન અનેક મુશ્કેલી જનક પરિસ્થિતિઓનો સામનો તેમને કરવો પડ્યો હતો. લોકડાઉન દરમિયાન રોજિંદી ચીજ વસ્તુઓ એટલે કે દૂધ શાક લાવવા માટેના પણ રૂપિયા ન હતા, ત્યારે એક ટંકનું ભોજનની પરિસ્થિતિ પણ કફોડી બની ગઇ હતી. લોકડાઉનમાં વિકટ બનેલી પરિસ્થિતિમાં કેટલાક રિક્ષાચાલકોએ તો પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારે કેટલાક રિક્ષાચાલકો આ લોકડાઉન સામે સંઘર્ષ કરવા માટે પોતાના સોના-ચાંદીના દાગીના ગીરવે મુક્યા તો વર્ષોથી ભેગી કરેલી જમાપુંજીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કેટલાક રિક્ષાચાલકોએ તો અન્ય લોકોના સહારે પોતાનું જીવન જીવ્યું હતું.
ત્યારે હવે અમદાવાદ સહિત ગુજરાતના તમામ રિક્ષાચાલકોની એક જ માગણી છે કે સરકાર તેમની વહારે આવે લોકડાઉન દરમિયાન થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી તેમને યોગ્ય સહાય કરે આ બાબત જણાવતા દરમિયાન એક રિક્ષા ચાલકના આંખોમાં આંસુ પર ચડી ગયા હતા. કારણકે લોકડાઉનમાં સૌથી વધુ કઠિન પરિસ્થિતિનો સામનો તેઓને કરવો પડ્યો હતો.
રિક્ષા ચાલકોના જણાવ્યા પ્રમાણે હાલ તેમને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે અનલોક થયા બાદ પણ હાલ તેઓની રીક્ષામાં કોઈપણ પેસેન્જર બેસી નથી રહ્યા અને તેના જ કારણે પોતાનું ગુજરાત કેવી રીતે ચલાવવું તેના માટે પણ તેઓ હાલ અસમંજસમાં જોવા મળી રહ્યા છે તેમની માગ છે કે હાલ તેઓને રિક્ષાના હપ્તા, ઘરનું ભાડું, બાળકોના અભ્યાસ અંગેના ખર્ચા, લાઈટબીલ, અન્ય ઘર ખર્ચ પણ કેવી રીતે કરવા તેને લઈ ખુબજ ભાવુક જોવા મળી રહ્યા છે. ત્યારે વહેલી તકે સરકાર તેમની વ્હારે આવે તેવી તેમની માગ છે.
લોકડાઉન દરમિયાન ઘણા લોકોના રોજગાર તેમજ નોકરી પર અસર જોવા મળી હતી. જેમાં રિક્ષાચાલકોને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કોરોનાને લઇ લૉકડાઉનમાં ઉભી થયેલી તંગીના કારણે અત્યાર સુધીમાં ત્રણ રિક્ષાચાલકોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે ત્યારે આ અંગે રીક્ષા એસોશીએશન દ્વારા અલગ-અલગ માગણીઓને લઈ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જોકે હજી સુધી કોઇ માગને સ્વીકારવામાં ન આવતા આખરે રિક્ષાચાલકોએ એક દિવસની પ્રતીક હડતાળ પણ કરી હતી.
શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા એક દિવસની પ્રતીક હડતાળમાં અંદાજે બે લાખ રિક્ષા ચાલકો જોડાયા હતા. રિક્ષા ચાલકોના 10 જેટલા સંગઠનો દ્વારા હડતાલને સમર્થન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા રિક્ષા ચાલકોને 15 હજાર જેટલી રોકડ સહાય માટે રિક્ષા ચાલકો હવે મેદાને ઉતર્યા છે. ત્રણ મહિનાના લૉકડાઉન દરમિયાન એક મહિનાના પાંચ હજાર લેખે પંદર હજાર રૂપિયાની રોકડ મળે તેવી સહાય સાથે જ રિક્ષાચાલકો મેદાને ઉતર્યા છે રિક્ષા ચાલકોના 10 જેટલા સંગઠનોનું સમર્થન હોવાનું જણાવ્યું છે. જોકે સરકાર હજી સુધી રીક્ષા ચાલકો માટે સહાયની કોઇ જાહેરાત કરવામાં ન આવતાં હાલ રિક્ષાચાલકો ખૂબ જ અસમંજસમાં જોવા મળી રહ્યા છે.