અમદાવાદઃ દેશમાં કોરોનાવાયરસની મહામારી ચાલી રહી છે તેવામાં ધંધોવેપાર એકતરફ છે તો બીજીતરફ શોર્ટકટ રસ્તો અપનાવવી કાકાબાપાના બે દીકરાઓએ ફોઈના ઘરમાં રહી નકલી નોટો બનાવવાનું ષડયંત્ર શરૂ કર્યું. જો કે સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચની થતાંની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યાંથી બંને યુવાનોને દબોચી લીધાં હતાં. પરંતુ મહત્વની વાત એ હતી કે બંને યુવાનો નકલી નોટોની સાથે સાથે વિદેશી દારૂનો અને બિયરનો પણ ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
સાથે જ લોકડાઉન બાદ અનલોક થતાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી હોવાના કારણે લોકો એકબીજાથી દૂર હોવાથી તેનો ફાયદો ઉપાડી આરોપીઓએ બજારમાંથી નાનીમોટી જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને નોટ વટાવી હોવાનું પણ હાલ સામે આવ્યું છે. જોકે બીજી તરફ મહત્વની બાબત એ પણ છે કે આરોપીના રહેણાંક મકાને નકલી ચલણી નોટો અંગે તપાસ દરમિયાન બંનેના રહેણાંકના મકાનમાં પરથી ભારતીય બનાવટની વિદેશીની દારૂ તથા બિયરની કાચની બોટલો પણ મળી આવી છે. જે અંગે તપાસ કરવામાં આવતાં બંને ડીલીવરી મારફતે લોકોના ઘરે દારૂ પહોંચાડવાનું કામ પણ કરતાં હતાં.
હાલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ અહી એ ઉપસ્થિત થાય છે કે બંને યુવાનો ગ્રેજ્યુટ હોવા છતાં શા માટે આ રીતનો કારસો ઘડયો હતો સાથે જ તેમને કોણ કોણ મદદ કરતું હતું તે અંગે હવે અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો છે.