- 2030ના અમદાવાદનું આયોજન
- પોલ્યુશન મુક્ત અમદાવાદ
- સ્લમ ફ્રી સિટીનું આયોજન
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આ ઢંઢેરો 2030ના અમદાવાદને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. એટલે ભાજપને વિશ્વાસ છે કે, તે આ ચૂંટણીની સાથે 2025માં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકાર બનાવશે. આ ચૂંટણી ઢંઢેરામાં ભાજપે જણાવ્યું છે કે, અમદાવાદ મહાનગરને દેશનું પ્રથમ ક્રમાંકનું સ્માર્ટ સિટી બનાવવા ભાજપની વર્તમાન સ્થાનિક સરકાર પ્રયત્નશીલ હતી. અમદાવાદ શહેરને આરોગ્ય, રસ્તાઓની, શાળાઓની, પબ્લિક ટ્રાન્સપોર્ટની રોજગારની વગેરે બાબતોમાં વિકાસ કરવાનો વાયદો ભારતીય જનતા પાર્ટીએ આ મેનિફેસ્ટોમાં કર્યો છે.
નવા ફ્લાયઓવર, અન્ડર પાસ, રેલ્વે ક્રોસિંગ મુક્ત અમદાવાદ
જેમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઈને શહેરમાં વધુ નવા ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવાનો વાયદો, રાહદારીઓ માટે ફૂટઓવર બ્રિજની સુવિધા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્માર્ટ સિગ્નલ, સાયકલ ટ્રેકની સુવિધા, દબાણમુક્ત રસ્તાઓ, મલ્ટીલેવલ પાર્કિંગ વગેરે બાબતોનો ઉલ્લેખ કરાયો છે.
પૂર્વ વિસ્તારમાં નવી અદ્યતન હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
તબીબી સેવાઓ માટે પૂર્વ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલના નિર્માણ, અર્બન હેલ્થ સેન્ટરને આધુનિક બનાવવા, આયુર્વેદ અને હોમિયોપથીને આગળ લઈ જવા, સિનિયર સિટીઝન માટે હેલ્થ ચેકઅપ યોજના, પંડિત દીનદયાળ મેડિકલ હેલ્થ સેન્ટરને શ્રમજીવી વિસ્તારમાં કાર્યરત કરવા, ધન્વંતરી રથનો વ્યાપ વધારવો, હોસ્પિટલમાં મેડિકલ ઓડિટ દાખલ કરવું, એલજી હોસ્પિટલને અદ્યતન બનાવવી. આ ઉપરાંત નવા પશ્ચિમ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલના વિકાસની વાત કરવામાં આવી છે.
AMTS- BRTSમાં એરકન્ડીશન, બસોમાં વધારો- નવી ઇલેક્ટ્રિક બસોમાં વધારો
શહેરમાં વધી રહેલા પ્રદૂષણને લઈને આ સંકલ્પપત્રમાં ઈલેક્ટ્રીક વાહનોના વ્યાપ વધારવા પર ભાર મુકાયો છે. જેમાં બીઆરટીએસ અને એએમટીએસમની બસોમાં ઈલેક્ટ્રીફિકેશનની વાત કરવામાં આવી છે. શહેરના ગ્રીન કવરમાં વધારો કરવા પ્રતિવર્ષ 'મિશન મિલિયન ટ્રીઝ' કાર્યક્રમને અમલમાં મૂકવાની વાત છે. અર્બન ફોરેસ્ટના વિકાસની વાત છે. ગ્રીન બિલ્ડિંગના કન્સેપ્ટની વાત કરાઈ છે. સોલાર અને વિન્ડ પાવરને અગ્રીમતા અપાશે. શહેરમાં ઉત્પન્ન થતા કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે. શહેરના જંકશન એર પ્યોરીફાયર મુકાશે. સ્મશાન ગૃહમાં ઈલેક્ટ્રીક અને સી.એન.જી ભઠ્ઠીઓ વધારવાની વાતને મહત્વ આપવામાં આવ્યું છે.
પાણી અને ડ્રેનેજ માટેના પ્રોજેકટ
આ ચૂંટણી ઢંઢેરામાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે, શહેરમાં સમાવિષ્ટ થયેલા વિસ્તારો ઉપરાંત સંપૂર્ણ શહેરને 100 ટકા નળથી પાણી આપવાની વાત કરાઈ છે. સંપૂર્ણ શહેરમાં 100 ટકા ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની વાત છે. જળસંકટને ધ્યાનમાં રાખીને પાણીના રિસાયકલ માટેના પ્રોજેક્ટની પણ વાત કરવામાં આવી છે અને તેનો ઉપયોગ શહેરના બગીચાઓમાં તથા સફાઇ માટે કરાશે. સોસાયટીઓમાં સ્વૈચ્છિક વોટર મીટર માટે સબસીડી યોજનાની પણ વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ રિંગ રોડની બન્ને તરફ ડ્રેનેજ નેટવર્ક કરવાની પણ વાત કરવામાં આવી છે. ભૂગર્ભ જળના સંગ્રહને પણ ઉત્તેજન આપતી યોજનાઓ લાવવામાં આવશે.
વિધવા સહાય ધરાવતી મહિલાઓને વિનામુલ્યે બસ પ્રવાસ
ટ્રાન્સપોર્ટેશનમાં એએમટીએસ અને બીઆરટીએસમા મહિલા બસોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. 76 કિલોમીટરના રિંગરોડ પર સર્ક્યુલર રૂટનો પ્રારંભ કરાશે. મેટ્રો સ્ટેશન માટે પણ શહેરમાં વિવિધ રૂટનો પ્રારંભ કરવામાં આવશે. મેટ્રો ટિકિટને બીઆરટીએસ અને એએમટીએસ સાથે સાંકળી લેવાશે. વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક પ્રવાસીઓ માટે ખૂબ જ રાહત દરની યોજનાઓ અમલમાં મૂકવાની વાત ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં કરાઈ છે.
સ્માર્ટ પબ્લિક સ્કૂલનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં શિક્ષણના કથળતા સ્તરને સુધારવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટોમાં વાત કરી છે. જેમાં મ્યુનિસિપલ અંતર્ગત સ્કૂલોને સ્માર્ટ બનાવવાની વાત કરવામાં આવી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ તૈયાર કરવાની વાત છે. મ્યુનિસિપલ શાળાઓમાં પબ્લિક-પ્રાઇવેટ અભિગમ દાખલ કરવાની યોજના પણ છે. શાળાઓ દત્તક આપવાની યોજનાની પણ વાત કરવામાં આવી છે.
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પાર્ટ-2
અમદાવાદનું આકર્ષણ એવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગ-2ને ઝડપી પૂર્ણ કરવાની વાત આ મેનિફેસ્ટોમાં કરાઇ છે. જેમાં અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ બનાવવાનું કાર્ય ચાલુ છે. થીમબેઝ ગાર્ડન બનાવવાની વાત છે. ટ્રેડિશનલ માર્કેટ વિકસાવવાની વાત છે. પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશીપ(PPP) પ્રોજેક્ટો આગળ ધપાવવાની વાત કરાઇ છે.
પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં રમતગમતને ઉત્તેજન આપવા ક્રિકેટ કોચિંગ સેન્ટર, હેલ્થ ક્લબ, યોગા સેન્ટર બનાવવાના વાયદા ભાજપે કર્યા છે. જેવી રીતે અમદાવાદના લો ગાર્ડન ખાતે હેપીસ્ટ્રીટ તૈયાર કરવામાં આવી છે. તેવી જ રીતે વિવિધ જગ્યાઓએ ખાણીપીણી બજારો ઉભા કરવાની વાત કરાઈ છે. ફેરિયાઓ માટે પણ વિશિષ્ટ આયોજન કરાશે અને પોલીસ તેમજ ફેરિયાઓ વચ્ચે સુમેળ વધે તેવા પ્રયત્નો કરાશે. શહેરમાં શાકભાજીના વેચાણ સાથે સંકળાયેલી મહિલાઓને ઇ-રીક્ષા પ્રોજેક્ટ અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે.
ફાયર સેફ્ટીનું આશ્વાસન
ગુજરાતના મોટા શહેરોમાં જ્યારે હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાની પરમિશન રાજ્ય સરકાર તરફથી મળી ચૂકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને ધ્યાનમાં લઇને આ મેનિફેસ્ટોમાં ફાયર આધુનિક સાધનોથી અમદાવાદ ફાયર વિભાગ તૈયાર કરવાનું વચન આપ્યું છે અને નવા ફાયર સ્ટેશન પર ઊભા કરવાનું વચન આપ્યું છે.
વેસ્ટ કચરાને ખાતરમાં ફેરવવાની યોજના અને હેરીટેજ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત
સોસાયટીઓનો વેસ્ટ કચરાને સોસાયટીમાં ખાતર બનાવવા માટે ઉપયોગી થાય તેવા 'કોમ્પેક્ટ મશીન' લોકભાગીદારીથી મુકવાની સ્કીમ પણ ભારતીય જનતા પાર્ટી વિજય થશે તો લાવશે. હેરિટેજ સ્થાપત્ય ધરાવતા મકાનોની પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની પણ વાત મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે.
ગ્રીન અને બ્લુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
આ ઉપરાંત આ મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વના પ્રોજેક્ટ તરીકે 'ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર' અને 'બ્લુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' એમ બે2વિભાગમાં વહેંચ્યા છે. જે અંતર્ગત પર્યાવરણ લક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેવું નામ આપવામાં આવ્યું છે. કેમ કે અમદાવાદ શહેરને ગ્રીનસિટીના રૂપમા પરિવર્તિત કરવાની નેમ ભારતીય જનતા પાર્ટી અગાઉ લઈ ચૂકી છે, જ્યારે પાણીની સમસ્યાના નિકાલ માટે તળાવનો વિકાસ, વરસાદી પાણીનો સંગ્રહ, વેસ્ટ પાણીના ઉપયોગ જેવા મુદ્દાઓ અંગેના 'બ્લુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર'નો માસ્ટર પ્લાન બનાવવાનું વચન મેનિફેસ્ટોમાં ભાજપ આપી રહ્યું છે.
હેરીટેજ બિલ્ડીંગમાં લાઇટિંગ
અમદાવાદ શહેર 'હેરિટેજ સિટી' તરીકે જાણીતું છે, ત્યારે પ્રવાસન ક્ષેત્રોને વેગ આપવા ઉપરાંત હેરીટેજ ધરોહર વાળા સ્થાપત્ય પર રાત્રિ દરમિયાન આધુનિક ટેકનોલોજીથી લાઇટિંગ કરીને તેને સુશોભિત કરવાની વાત પણ આ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે.