નવી દિલ્હી : કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા પછી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે તેની સેવાઓને અનિશ્ચિત સમય સુધી બંધ કરી છે. વડાપ્રધાન મોદીએ લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન આજથી લાગુ થઈ ગયું છે અને 14 એપ્રિલ સુધી ચાલશે. ઓફિસ, બજાર, પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે.
ફ્લિપકાર્ટે એક બ્લૉગ પોસ્ટમાં લખ્યું કે, 24 માર્ચના ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે ભારતમાં 21 દિવસ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. તેથી અમે અસ્થાયી રૂપે અમારી સેવાઓ બંધ કરીએ છીએ. "
બ્લૉગમાં કહ્યું કે, અમે જેટલું જલ્દી બની શકે તમારી સેવા કરવા માટે પરત આવશું. વડાપ્રધાન મોદી 21 દિવસ સુધી સંપુર્ણ દેશમાં લૉક ડાઉનની જાહેરાત કરી હતી. ભારતમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી અંદાજે 10 લોકોના મૃત્યું થયા છે અને 500થી વધુ સંક્રમિત છે.
આ પહેલા અમેઝોન ઈન્ડિયાએ મંગળવારે કહ્યું હતુ કે, તેણે અસ્થાયી રૂપે ઓછી અગ્રતાવાળા ઉત્પાદનો માટે ઓર્ડર લેવાનું બંધ કર્યું છે. સરકારે તેના જાહેરનામામાં ઈ-કોમર્સના માધ્યમથી ખાવાપીવાની ચીજવસ્તુઓ, દવાઓ સહિત તમામ આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી કરવાની મંજૂરી આપી છે.