ચંદીગઢ : કુસ્તીબાજોએ યૌન ઉત્પીડનના આરોપોના સંબંધમાં ભારતના પૂર્વ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગં કરી હતી. પરંતુ હવે કુસ્તીબાજોએ આ માટે ચાલી રહેલા આંદોલનમાંથી બ્રેક લીધો છે. મહિલા રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે ટ્વીટ કર્યું છે કે, તેઓ આગામી થોડા સમય માટે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક : કુસ્તીબાજોએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવા પાછળનું કારણ જણાવ્યું નથી. આવી સ્થિતિમાં ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉપરાંત અનેક પ્રકારના સવાલો પણ સામે આવી રહ્યા છે. સાક્ષી મલિક અને વિનેશ ફોગાટના આ નિર્ણય પર તેમના ચાહકો ટ્વિટર પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કુસ્તીબાજો પર સવાલ કરી રહ્યા છે તો કેટલાક લોકો સતત તેમને સપોર્ટ કરવાની વાત કરી રહ્યા છે.
હવે લડાઈ કોર્ટમાં લડીશું : મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ટ્વિટ કરતા જણાવ્યુ હતુ કે, 7 જૂને સરકાર સાથે થયેલી વાટાઘાટમાં સરકારે કુસ્તીબાજોને આપેલા વાયદાને અનુસર્યો છે. સરકારે મહિલા કુસ્તીબાજોના ઉત્પીડન અને યૌન શોષણના મુદ્દા પર ધ્યાન આપ્યું છે. આ કેસના સંબંધમાં કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં 6 મહિલા કુસ્તીબાજોએ FIR દાખલ કરી હતી. FIRની સંપૂર્ણ તપાસ બાદ 15મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કુસ્તીબાજોની લડાઈ રસ્તા પરના બદલે કોર્ટમાં લડવામાં આવશે.
વિનેશનું ટ્વિટ : આ અંગે વિનેશ ફોગાટે લખ્યું છે કે, 'કુસ્તી એસોસિએશનના સુધારાના સંબંધમાં નવા કુસ્તી સંઘની ચૂંટણીની પ્રક્રિયા વચન મુજબ શરૂ થઈ ગઈ છે. આ અંગે સરકાર દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે તેનો અમલ થાય છે કે નહીં તેની રાહ રહેશે.
સાક્ષીએ કરી આ માંગ : આ સિવાય કુસ્તીબાજોએ રમત મંત્રાલય પાસે 10 ઓગસ્ટ પછી ટ્રાયલ કરાવવાની માંગ કરી છે. આ અંગે કુસ્તીબાજ સાક્ષી મલિકે ટ્વિટર પર એક પત્ર મુક્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે આંદોલનકારી કુસ્તીબાજોએ ટ્રાયલ ચલાવવા માટે જ પત્ર લખ્યો હતો, કારણ કે છેલ્લા 6 મહિનાથી આંદોલનમાં સામેલ થવાને કારણે અમે પ્રેક્ટિસ કરી શક્યા નથી. અમે આ બાબતની ગંભીરતાને સમજીએ છીએ, તેથી અમે આ પત્ર તમારી સાથે શેર કરી રહ્યાં છીએ. દુશ્મન કુસ્તીબાજોની એકતાને તોડવા માંગે છે. તેને સફળ થવા દેતા નહીં.
ઓલિમ્પિકમાં કોણ રમશે ? ભારતીય ઓલિમ્પિક એસોસિએશને (IOA) આગામી ચેમ્પિયનશિપને લઈને સ્પોર્ટ્સ ફેડરેશન પાસે 30 જૂન સુધી ખેલાડીઓની યાદી માંગી છે. આવી સ્થિતિમાં IOAએ 15 જુલાઈ સુધીમાં તમામ ભારતીય ખેલાડીઓના નામ ઓલિમ્પિક કાઉન્સિલને (OCA) મોકલવા પડશે. જોકે, IOAએ કુસ્તી મામલે OCA પાસેથી 10 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે. આવી સ્થિતિમાં કુસ્તીમાં જોડાનાર કુસ્તીબાજોના નામ ક્યાં સુધી મોકલવામાં આવે છે તે જોવું રહ્યું.