ન્યૂઝ ડેસ્ક: જાતીય સબંધ બાંધવા માટે એક કરતાં વધુ પાર્ટનર્સ ધરાવનારી મહિલાઓ માટે સારા સમાચાર છે. એક નવા અભ્યાસના આધારે માલૂમ પડ્યું છે કે, આવી મહિલાઓને જીવનમાં જાતીય સબંધ સંબંધિત (કામેચ્છાના અભાવની) સમસ્યાનો સામનો કરવાની શક્યતા ઘણી ઓછી હોય છે.
તેનાથી ઊલટું, જાતીય પ્રવૃત્તિ દરમિયાન વધુ વ્યગ્ર અને અસ્વસ્થ વર્તણૂંક ધરાવનારી મહિલાઓ અને મેનોપોઝનાં ગંભીર લક્ષણો ધરાવનારી મહિલાઓમાં જાતીય જીવન સબંધિત સમસ્યા ઉદ્ભવવાની શક્યતા વધુ રહે છે, તેમ અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જાતીય સમસ્યા ઘણી વખત મેનોપોઝ સાથે જોડાયેલી હોય છે. તેમ છતાં, તમામ મહિલાઓ સાથે તે સમસ્યા સર્જાય, તે જરૂરી નથી.
મેનોપોઝઃ ધી જર્નલ ઓફ ધી નોર્થ અમેરિકન મેનોપોઝ સોસાયટી (NAMS)માં પ્રસિદ્ધ થયેલા નવા અભ્યાસમાં મહિલાઓ પર કામેચ્છાના અભાવનાં જોખમો પર અસર ઉપજાવતા નિર્ધારકોની ઓળખ કરવામાં આવી હતી અને તે જોખમ ઘટાડવામાં હોર્મોન થેરેપીની અસરકારકતા નિર્ધારિત કરીને જાતીય વર્તણૂંકમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
અભ્યાસનાં પરિણામો અગાઉના અભ્યાસોનાં તારણો સાથે સુસંગત છે.
“પરિણામો ભારપૂર્વક જણાવે છે કે, હોર્મોન થેરેપીના ઉપયોગ સિવાયનાં અન્ય પરિબળો, જેમ કે, જાતીય સબંધનું વધુ મહત્વ, જાતીય સબંધ પ્રત્યે સકારાત્મક અભિગમ, પોતાના પાર્ટનર પ્રત્યે સંતુષ્ટિની ભાવના અને મેનોપોઝ સાથે સંકળાયેલાં જનનાંગ સંબંધિત કેટલાંક લક્ષણો રક્ષણાત્મક જણાય છે અને તે મેનોપોઝના ગાળા દરમિયાન બહેતર જાતીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે,” તેમ ઓહાયો સ્થિત નોર્થ અમેરિકન મેનોપોઝ સોસાયટી (NAMS)નાં મેડિકલ ડિરેક્ટર અને સંશોધક સ્ટિફની ફૌબિયને જણાવ્યું હતું.
અભ્યાસ માટે સંશોધકોએ 45થી 55 વર્ષની વયની 200 કરતાં વધુ મહિલાઓને સાંકળી હતી.
હોર્મોન થેરેપીથી જાતીય સબંધમાં થતી સમસ્યા હળવી થતી જણાઇ ન હતી તેમજ જાતીય વર્તણૂંક નિર્ધારિત કરવામાં પણ તેની કોઇ મહત્વની ભૂમિકા ન હતી.
જોકે, હોર્મોન થેરેપીનો ન કરનારી મહિલાઓની તુલનામાં આ થેરેપીનો ઉપયોગ કરનારી મહિલાઓમાં જાતીય પ્રવૃત્તિ દરમિયાન સ્વત્વની ભાવના (પોતાના શરીર પ્રત્યે સ્વાભિમાનની લાગણી) ઊંચા પ્રમાણમાં જોવા મળી હતી, ઇચ્છાને બાદ કરતાં તમામ સ્તરે બહેતર જાતીય પ્રવૃત્તિ જોવા મળી હતી, સબંધોની બહેતર ગુણવત્તા જોવા મળી હતી તથા તેમનામાં (ઉત્થાન સિવાયની સમસ્યાઓ અંગે) ઓછી જાતીય ફરિયાદો જોવા મળી હતી.
સકારાત્મક જાતીય અનુભવો, જાતીય સબંધ પ્રત્યેના અભિગમો, બોડી ઇમેજ અને સબંધની નિકટતા મહિલાની જાતીય પ્રવૃત્તિને જાળવી રાખવા માટેનાં મહત્વનાં પરિબળો સાબિત થયાં હતાં, તેમ અભ્યાસમાં નોંધ્યું હતું.