- હિન્દી પંચાગ મુજબ 10 જૂને વટસાવિત્રી વ્રતનો દિવસ
- પતિના દીર્ઘાયુ અને સુખસમૃદ્ધિ માટે કરવામાં આવે છે વ્રત
- આ વર્ષે ઘરમાં જ રહીને આ રીતે કરો વટ સાવિત્રી પૂજન
પટણાઃ હિન્દી પંચાગ પ્રમાણે વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat) કરવાનો દિવસ એટલે જેઠ વદ અમાસ. મહિલાઓ તેમના પતિના લાંબા જીવન માટે આ વ્રત કરે છે. વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સુહાગણો તેમના પતિના લાંબા જીવન અને સ્વસ્થ જીવન માટે આ ઉપવાસ રાખે છે. અપરિણીત છોકરીઓ પણ આ ઉપવાસ કરે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 10 જૂન એટલે કે ગુરુવારે છે.
કઇ રીતે કરવામાં આવે છે પૂજા
આ વ્રત કરવા માટે પૂજા કઈ રીતે કરવામાં આવે છે, શું નિયમ છે અને શું મહત્વ છે તે જાણવા અમે આચાર્ય રામાશંકર દુબે સાથે ખાસ વાતચીત કરી. આચાર્યએ કહ્યું કે આ વર્ષનો પહેલો તહેવાર છે જે સૌભાગ્ય પ્રાપ્તિ માટે ખૂબ જ મોટો માનવામાં આવે છે. આ વર્ષે અમાસ 9 જૂન બપોરે 1:57 વાગ્યે શરૂ થશે અને 10 જૂને સાંજે 4: 22 વાગ્યે સમાપ્ત થશે. જો કે અમાસનો 9 મીથી જ પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ 10 મી જૂને શુભ અમાસ છે એટલે તે જ દિવસે મહિલાઓ ઉપવાસ કરશે.
વ્રતમાં વડના વૃક્ષનો મોટો મહિમા
આ વ્રતમાં વટ વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં, મધ્યમાં વિષ્ણુ અને સામે શિવમાં રહે છે. દેવી સાવિત્રી પણ આ વૃક્ષમાં વસે છે. તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વટના ઝાડની પરિક્રમા કરે છે અને 108 વખત કાચું સૂતર વીંટે છે. આ પછી બધી મહિલાઓ એકસાથે બેસીને સાવિત્રીની કથા સાંભળે છે. કથા સાંભળીને પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે.
આ પણ વાંચોઃ સુરતમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામ કરતી મિઝોરમની યુવતીનું રહસ્યમય મોત
ઘરમાં જ કરો આ વર્ષે પૂજન
જો કે, આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીનેે મહિલાઓને અપીલ છે જૂથમાં ભેગાં થવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ભીડમાં ન જાવ અને ઘરે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા કરવાનો પ્રયાસ કરો. આ સિવાય વડના ઝાડની ડાળીઓ તોડીને કૂંડામાં રોપીને અને તેનું પૂજન કરો. જેથી સંક્રમણથી પણ બચી શકાશે અને સંપૂર્ણ સુરક્ષિત રહીને તેની પૂજા પણ કરી શકાશે.
આચાર્ય રામાશંકર દુબેએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે સાવિત્રીએ આ દિવસે તેમના મૃત પતિને જીવંત કર્યા હતાં. યમરાજ પાસેથી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનનું જીવન પાછું મેળવ્યું હતું. ત્યારથી મહિલાઓ આ દિવસે વટ સાવિત્રી વ્રત રાખે છે. આ વ્રતમાં સાવિત્રીની જેમ મહિલાઓ પણ તેમના પતિના લાંબા જીવન માટે ત્રણે દેવતાઓને પ્રાર્થના કરે છે જેથી તેમના પતિને પણ સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને લાંબું જીવન મળે.
આ પણ વાંચોઃ સુરતના બાળકનો હેલીકોપ્ટર શોટ જોઈ કોમેન્ટેટર આકાશ ચોપરા તેના માટે કોમેન્ટ્રી કરતા રોકી ન શક્યા