- લોકસભામાં આવશ્યક રક્ષા વિધેયક 2021 મંજૂર
- ભારે વિરોધ વચ્ચે બિલને મંજૂરી આપવામાં આવી
- દેશભરમાં આવેલી છે કુલ 41 ઓર્ડિનન્સ ફેક્ટરીઝ
ન્યઝ ડેસ્ક : કેન્દ્રના રક્ષા મંત્રાલય અંતર્ગત આવતી ઓર્ડિનન્સ ફેક્ટરીઝ કે જેઓ રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલી વસ્તુઓ તેમજ ઉપકરણો બનાવતી હોય તેના કર્મચારીઓને હડતાલ પર જતા રોકવા માટે સરકારે લોકસભામાં આવશ્યક રક્ષા સેવા વિધેયક 2021 રજૂ કરવામાં આવ્યું હતું. જેને આજે મંગળવારે લોકસભામાં મંજૂરી મળી છે.
'આવશ્યક રક્ષા સેવાઓ' એટલે શું ?
આવશ્યક રક્ષા સેવાઓનો અર્થ એવા પ્રતિષ્ઠાનો સાથે છે, જે કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત ઉપકરણો અથવા તો હથિયારો બનાવે છે. કેન્દ્ર સરકાર પ્રમાણે, આ એવી સેવાઓ છે જેમાં કામ બંધ થતા રક્ષા સંબંધિત સામગ્રીઓના ઉત્પાદન પર તેની સીધી અસર પડે તેમ છે.
શું કહે છે વિધેયક ?
આવશ્યક રક્ષા સેવા વિધેયક, 2021 સરકારને ઓર્ડિનન્સ ફેક્ટરીઝમાં કામ કરતા શ્રમિકોની હડતાલો, આંદોલનોને પ્રતિબંધિત કરવાનો અને વિરોધ દરમિયાન ફેક્ટરીઝને તાળાબંધી કરવાથી રોકવા માટે પણ અધિકાર આપશે. જો કોઈ પ્રસ્તાવિત કાયદા અંતર્ગત ગેરકાયદેસર માનવામાં આવનારી હડતાલ શરૂ કરે છે અથવા તો તેમાં ભાગ લે છે તો તેમની સામે એક વર્ષની જેલ અથવા તો વધુમાં વધુ 10 હજાર રૂપિયાનો દંડ અથવા બન્નેની જોગવાઈ રાખવામાં આવી છે.