નવી દિલ્હીઃ મેટાની માલિકીવાળી વ્હોટ્સએપ દ્વારા ભારતમાં ઓગસ્ટ મહિનામાં 74 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે. વ્હોટ્સએપ દ્વારા આઈટીના નિયમો અંતર્ગત કાર્યવાહી કરી છે. મેટાએ ભારત સંદર્ભે રજૂ કરેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આમ, ચાર મહિનામાં કુલ 2 કરોડથી વધુ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા GAC રચ્યા બાદ એકાઉન્ટ બેન કરવામાં વ્હોટ્સએપ દ્વારા ઝડપ દાખવવામાં આવી છે.
ફરિયાદ પહેલાં જ 35 એકાઉન્ટ્સ બેનઃ કંપની કહે છે કે અમે પહેલ કરીને ફરિયાદ મળ્યા પહેલા જ 35 લાખ એકાઉન્ટ બેન કરી દીધા હતા. વ્હોટ્સએપ અનુસાર 31 ઓગસ્ટ સુધી 74 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે જેમાં 35 લાખ એકાઉન્ટ ફરિયાદ મળ્યા પહેલા જ અમે અગમચેતી વાપરીને બંધ કરી દીધા હતા.
નિષ્ણાતોની એક ટીમ કાર્યરતઃ વ્હોટ્સએપ જણાવે છે કે અમે એપ્લિકેશનનો દુરઉપયોગ ટાળવા અને એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ મેસેજ સર્વિસમાં અગ્રણી છીએ. અમારી સુરક્ષા તેમજ નિયંત્રણ પ્રણાલિને મજબૂત કરવા માટે અમે અન્જિનિયર્સ, ડેટા સાયન્ટિસ્ટ, એનાલિસ્ટ અને એકસપર્ટ્સની ટીમ કામે લગાડીએ છીએ.
કુલ 2 કરોડ 18 લાખ એકાઉન્ટ્સ બેનઃ આ વર્ષે ભારતના જુલાઈમાં 72 લાખ એકાઉન્ટ્સ, જૂન મહિનામાં 66 લાખ એકાઉન્ટ્સ તેમજ મે મહિનામાં 65 લાખ એકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યા છે. આમ ઓગસ્ટ 2023 સુધીમાં કુલ 2 કરોડ 18 લાખ એકાઉન્ટ્સને બેન કરવામાં આવ્યા છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંદર્ભે ફરિયાદ માટે ગ્રીવાન્સ અપીલેટ કમિટિ (GAC)ની રચના કરી છે. જેના પરિણામે આ એકાઉન્ટ્સ બેન કરવામાં વૃદ્ધિ થઈ છે. GACના માધ્યમથી મેટા, ટ્વીટર જેવા પ્લેટફોર્મમાં ફરિયાદ કરી શકાય છે.