મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના નવી મુંબઈ શહેરમાં એક ટ્રાફિક પોલીસ કર્મચારીએ એક કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે કથિત રીતે તેને કારના બોનેટ પર ઉચકીને તેને લગભગ 20 કિલોમીટર સુધી ધસેડ્યો હતો. અધિકારીઓએ રવિવારે આ બાબતની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ડ્રાઈવરે ડ્રગ્સનું સેવન કર્યું હતું જેને કારણે તેને આ પ્રકારની હરકત કરી હતી.
પોલિસકર્મીને 20 કિમી સુધી ધસેડ્યો હતો : અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે બપોરે 1.30 વાગ્યે વાશી વિસ્તારમાં બની હતી. જ્યારે 37 વર્ષીય પોલીસ અધિકારી નાઈક સિદ્ધેશ્વર માલી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની ફરજ પર હતા. પોલીસે જણાવ્યું કે, ડ્રાઈવરની ઓળખ 22 વર્ષીય આદિત્ય બેમ્બડે તરીકે થઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બેમ્બડે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ હત્યાનો પ્રયાસ અને અન્ય સંબંધિત કલમો અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કાર ચાલકની ધરપકડ કરવામાં આવી : વાશી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, માલી કોપરખૈરણે-વાશી રોડ પર ફરજ પર હતો ત્યારે તેણે અને અન્ય ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કારનો ડ્રાઇવર ડ્રગ્સના પ્રભાવ હેઠળ હોવાની શંકા પર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. FIRમાં જણાવાયું છે કે, બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કારના ડ્રાઈવરને તપાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કથિત રીતે પોલીસકર્મીને બોનેટ પર ઉંચકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
કાર ચાલકે ડ્રગ્સનું સેવન કર્યું હતું : FIR મુજબ, માલી બોનેટ પર ખતરનાક રીતે અટવાઈ ગયો અને તેણે વાહનને હાથ વડે પકડી લીધું હતું. તેમણે જણાવે છે કે, આરોપી વાહનને રોકવાને બદલે તેને સ્થળથી 20 કિમી દૂર લઈ ગયો હતો. અધિકારીએ કહ્યું કે, કાર ચાલકે કારને ઝડપથી ચલાવી અને બાદમાં ટ્રાફિક કર્મચારી વાહન પરથી નિચે પટકાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પાછળથી કેટલાક અન્ય પોલીસ કર્મચારીઓએ કાર ચાલકનો પીછો કરીને તેને પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની મેડિકલ તપાસમાં પુષ્ટિ થઈ છે કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું હતું.